અમદાવાદ : રાજ્યમાં સર્વત્ર હાલ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે ભારે વરસાદના પગલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક્ટિંગ ચીફ જસ્ટિસ એ જે દેસાઈ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે તે જિલ્લા કોર્ટની કાર્યવાહી મુલતવી રાખવા તેમજ સુનાવણી અંગે જાતે નિર્ણય લઈ શકશે.
ચીફ જસ્ટિસ દ્વારા આદેશ : હાઈકોર્ટે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખતા કોર્ટની કાર્યવાહી અને તેની સુનાવણીના મુદ્દે આ નિર્ણય આપવામાં આવ્યો છે. પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક જજ તેમજ જે તે જિલ્લા કોર્ટની કાર્યવાહીના સમયમાં ફેરફાર કરવા મુદ્દે અથવા તો કાર્યવાહી મુલતવી રાખવા માટે હવે જિલ્લા ન્યાયાધીશ નિર્ણય લઈ શકશે એવો મહત્વનો ચીફ જસ્ટિસ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટનો માનવીય અભિગમ : હાલ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખતા મર્યાદિત સમય માટે જિલ્લા કોર્ટની કાર્યવાહી ચાલુ રાખવી કે બંધ રાખવી તે મુદ્દે નિર્ણય લેવાની સત્તા પણ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજ ને આપી છે. કારણ કે, હાલ ગુજરાતની પરિસ્થિતિ જોઈએ તો સમય અનુસાર જે તે જિલ્લા કોર્ટની કાર્યવાહી સમય અનુસાર થઈ શકે એવી નથી, તેથી હાઇકોર્ટ દ્વારા માનવીય અભિગમ દાખવીને આ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે.
વરસાદની આગાહી : ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય માત્ર ભારે વરસાદની સ્થિતિના સમય પૂરતો જ કરવામાં આવ્યો છે. વરસાદની અસર ઓસરી જતા રાબેતા મુજબ કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે એવું પણ આ આદેશમાં જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હાલ કેટલાક દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ આ સ્થળોએ ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. જ્યારે વલસાડ નવસારીમાં પણ સામાન્યથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.