અમદાવાદ : સુરતના બરબોધન ગામમાં આવેલી રામા ન્યુઝ પ્રિન્ટ લિમિટેડ કંપની સામે ગુજરાત હાઇકોર્ટમાં યોગેન્દ્ર પટેલે જાહેરહિતની અરજી દાખલ કરી છે. રામા પ્રિન્ટિંગ કંપની દ્વારા પરવાનગી વગર વોટર બોટલ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે. યોગેન્દ્ર પટેલના પક્ષે એડવોકેટ ભાવિક સામાણીએ આ અરજી દાખલ કરી છે.
શું છે મામલો ? એડવોકેટ ભાવિક સામાણીએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, રામા પ્રિન્ટ લિમિટેડ એક ન્યૂઝ પ્રિન્ટ અને ન્યૂઝ પેપર રોલ બનાવતી પ્રોડક્શન કંપની છે. આ કંપનીએ સુરતના ઓલપાડ તાલુકાના બરબોધન ગામમાં આવેલી છે. આ કંપનીએ બરબોધન ગ્રામ પંચાયત અને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી કોઈપણ જાતની પરવાનગી લીધા વિના ક્લિયર નામની એક બ્રાન્ડેડ બોટલ બોટલિંગ પ્લાન્ટની સ્થાપના કરી દીધી છે.
અમારા તરફથી આ બાબતે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ પાણીનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે તેમાં કોઈપણ જાતની યોગ્ય પરવાનગી લેવામાં આવી નથી. કંપની દ્વારા એક સિંગાપુર વિયર કરીને અંડર ગ્રાઉન્ડ પાણીના સોર્સમાંથી બોટલ માટે પાણી લેવામાં આવે છે.-- ભાવિક સામાણી (એડવોકેટ)
નિયમોનું ઉલ્લંઘન : એડવોકેટ ભાવિક સામાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે જ આ પાણીનો પ્લાન્ટ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે છે, કર્મશિયલ ઉપયોગ માટે નથી. પરંતુ તેમ છતાં પણ રામા કંપની પાણીના સ્ત્રોતનો ઉપયોગ વોટર બોટલ માટે કરી રહી છે. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
SUDA ને રજૂઆત : આ બાબતે યોગેશ પટેલે SUDA ને (સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) પણ જાણ કરી હતી. SUDA ડેપ્યુટી કલેકટરને લેખિતમાં જણાવ્યું હતું કે, આ બાબતે કોઈ પરવાનગી લેવામાં આવી નથી. તો આ પ્લાન્ટને તોડી પાડવામાં આવે. પરંતુ તેમ છતાં પણ હજુ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. આખરે જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રામા કંપની દ્વારા અખબારની ફેક્ટરી પણ બંધ કરી દેવામાં આવી છે. હવે તેનું પાણી સીધી રીતે "ક્લિયર" બ્રાન્ડ નામ હેઠળ પાણીની બોટલિંગ માટે કરવામાં આવી રહી છે.
આગામી સુનાવણી : આ સમગ્ર મામલે સુનાવણી બાદ એક્ટિંગ ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકાર તેમજ SUDA ને નોટિસ પાઠવી છે. 31 જુલાઈ સુધીમાં આ અંગે જવાબ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે. આ સમગ્ર મામલે આગામી સુનાવણી 31 જુલાઈના રોજ હાથ ધરાશે ત્યારે રાજ્ય સરકારે પોતાનો જવાબ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.