અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગમાં આવેલી કોર્ટ નંબર 8માં સરકારી વકીલોની નિમણૂક કરવામાં આવી છે. આ બાબતો વિરોધ થઇ રહ્યો છે. જેનું કારણ એ છે કે છેલ્લા છ વર્ષથી આ કોર્ટ બંધ છે. આમ હોવા છતાં પણ ત્યાં સરકારી વકીલની નિમણૂક કરવામાં આવતા ક્રિમિનલ બાર એસોસિયન દ્વારા આ કોર્ટમાં થયેલી સરકારી વકીલોની નિમણૂકનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
જ્યાં જરુર છે ત્યાં કરો : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડીંગમાં કાર્યરત 8 નંબરની કોર્ટ છેલ્લા છ વર્ષથી બંધ છે. આ કોર્ટ છ વર્ષથી બંધ હોવાથી ત્યાં કોઈ પણ પ્રકારના સરકારી કેસ પણ આવતા નથી. તેમ છતાં પણ સરકાર દ્વારા ત્યાં સરકારી વકીલોની નિમણૂક કરવામાં આવી રહી છે. આ નિમણૂકને ક્રિમિનલ કોર્ટ બાર એસોસિયને તાત્કાલિક અસરથી નિમણૂક કરાયેલા સરકારી વકીલોની જ્યાં જરૂર છે ત્યાં આ વકીલોની બદલી કરવા માટે માંગ કરી છે.
આ પણ વાંચો વકીલ સાથે પોલીસકર્મીએ અસભ્ય વર્તન કરવા બાબતે ગૃહપ્રધાનને રજૂઆત, કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા
હકુમત કઇ છે : આ સમગ્ર મામલે અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ ભરત શાહે ટેલીફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશનની બિલ્ડીંગમાં કાર્યરત મેટ્રો કોર્ટ નંબર 8 છેલ્લા 2017ના વર્ષથી એટલે કે કુલ છ વર્ષથી બંધ છે અને કોર્ટ નંબર 6માં માત્ર ને માત્ર જન્મ, મરણ જેવા પરચુરણ કામોની અરજીઓ કરવાની હકુમત છે. આ કારણના લીધે ત્યાં કોઈ પણ સરકારી કેસો પણ આવતા નથી. એક કોર્ટ બંધ હોવાની અને બીજી કોર્ટમાં માત્ર પરચુરણ કામ અંગેનો હુકમ હોવા છતાં પણ આ બંને કોર્ટમાં સરકારી વકીલોની નિમણૂક કરવામાં આવી રહી છે.
પહેલાં પણ આવું થયું હતું : આ વાતની રજૂઆત કરવામાં આવતા અગાઉ કોર્ટ નંબર 8માં અને કોર્ટ નંબર 6 માં સરકારી વકીલોની નિમણૂકો કરવામાં આવી હતી. ત્યારે બાર એસોસિએશન દ્વારા 14 ડિસેમ્બર 2022 ના પત્ર લખીને કાયદા સચિવને આ મામલાની જાણ પણ કરવામાં આવી હતી. અમારા લખેલા પત્રના કારણે તાત્કાલિક અસરથી કોર્ટ નંબર 6 અને કોર્ટ નંબર 8 માંથી સરકારી વકીલોની બદલી પણ કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો Gujarat High Court: નેતાઓ સામેના ગુનાલક્ષી પેન્ડિંગ કેસનો નિવેડો લાવો, હાઈકોર્ટનો આદેશ
ફરી ફરી કેમ થાય છે નિમણૂક : આ બંને કોર્ટમાંથી સરકારી વકીલોની કોર્ટ નંબર 19 તથા 21 માં બદલી કરવામાં આવી હતી. તેમ છતાં પણ ફરીથી 18 માર્ચ 2023 ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફરીથી વકીલોની કોર્ટ નંબર 6 અને કોર્ટ નંબર 8 માં સરકારી વકીલોની નિમણૂક કરવામાં આવી છે. એકવાર રજૂઆત કરી દીધી હોવા છતાં પણ ફરીથી ખાલી કોર્ટમાં સરકારી વકીલોની નિમણૂક કરવાનું મતલબ શું છે?
બંધ કોર્ટમાં નિમણૂંક કેમ : આ સમગ્ર મામલે પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે જે કોર્ટ છેલ્લા આઠ વર્ષથી બંધ છે ત્યાં સરકારી વકીલોની નિમણૂક કરવામાં આવી રહી છે. જ્યાં કોઈપણ પ્રકારના સરકારી કેસો આવતા જ નથી ત્યાં પણ નિમણૂક કરવામાં આવી રહી છે. જેના કારણે જ્યાં અત્યારે ખરેખર સરકારી કેસોમાં વકીલોની જરૂર છે ત્યાં અગવડ પડી રહી છે.જેના કારણે ઘણા મહત્વના કેસો પેન્ડિંગ પડી રહ્યા છે. અને મહત્વના આવા કેસોમાં તારીખો પડી રહી છે.આ બધા કારણોના કારણે કેસોના ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ પણ થઈ રહ્યો છે.