રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન રાજીવ ગાંધીની 75મી જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસ ભવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, યુવા નેતા હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
કોંગ્રેસ ભવન ખાતે પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, રાજીવ ગાંધીની 75મી જન્મ જયંતીના વર્ષને દેશભરમાં ઉજવવામાં આવશે. અને વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. શાળા-કોલેજોમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વિવિધ રમતોની હરીફાઈઓ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. યુવાનોને રાજીવ ગાંધીના સિદ્ધાંતો તેમના કાર્યો અને તેમના ઉત્તમ નિર્ણય વિશે માહિતી પણ આપવામાં આવશે.
આ તકે કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજીવ ગાંધીના સન્માનમાં સ્ટેમ્પ ટીકિટનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ ભવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ સહિત અનેક લોકોએ ભાગ લીધો હતો. અને બ્લડ ડોનેટ કર્યું હતું. રાજીવ ગાંધીની જન્મ જયંતીની કોંગ્રેસ પાર્ટી દ્વારા દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. અને વિવિધ કાર્યક્રમોથી તેમના સિદ્ધાંતોને લોકો અને ખાસ કરીને યુવાનો સુધી પહોંચાડવામાં આવશે.