અમદાવાદઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેગ્યુલર ચેકઅપ કરાવવા માટે આવતા દર્દીઓ કરતા નવા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જેની પાછળ ડબલ સીઝન જવાબદાર હોવાનું સામે આવ્યું છે. વાતાવરણમાં આવી રહેલા સતત બદલાવના કારણે ઠંડી અને ગરમી એમ બે ઋતુનો અહેસા થઈ રહ્યો છે. વરસાદ બાદ ટાઢક તથા ગરમીને કારણે રોગચાળામાં પણ વધારો થયો છે.
દર્દીઓ વધ્યાઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ બેવડી ઋતુના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં પણ રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓના ઈમરજન્સી કેસ વધી રહ્યા છે. જેમાં સૌથી વધારે તાવ, શરદી ઉધરસ અને ઝાડા ઊલટીના દર્દીઓમાં વધારો થયો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગમાં પણ વધારો જોવા મળ્યો. સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં રોજના 2000 કરતા પણ વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.
રોગ અને કેસની વિગતઃ ગત મહિના સુધીમાં સિવિલ હોસ્પિટલમાં કમળાના 185 કેસ, ઝાડા ઉલટીના 318 ન્યુમોનિયાના 55 કેસ અને સાદા મેલેરિયાના 10 કેસ નોંધાયા છે. સિવિલના સુપ્રીટેન્ડેડ ડોક્ટર રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, અત્યારે ડબલ રૂતુ ચાલી રહી છે. શનિવારથી પાંચ દિવસ પહેલા હીટ વેવ ચાલતી હતી. જ્યારે અચાનક જ વાતાવરણમાં ફેરફાર થયો છે. જેના કારણે જ્યારે પણ વરસાદ આવે છે. મચ્છરજન્ય રોગો પાણીજન્ય રોગોના કેસ વધે તેવું હંમેશા બનતું હોય છે.
તકેદારી રાખવી જરૂરીઃ આ બાબતે ઘર કે ઘરની આસપાસ પાણી ન ભરાયેલા રહે તે માટે ધ્યાન રાખવું જરૂરી છે. ટાયરમાં કે પછી કુંડાઓમાં પણ પાણી ભરાયેલું રહેતું હોય છે. આ બધાના કારણે પાણીજન્ય રોગોની પરિસ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે. થોડા દિવસ ગરમી અને થોડા દિવસ વરસાદની આપી બેવડી ઋતુના કારણે આપણે પરિસ્થિતિમાં યોગ્ય ધ્યાન રાખવું જોઈએ. હીટ વેવ હોય ત્યારે ખુલ્લા કપડા પહેરવા જોઈએ. ચક્કર આવે કે પછી કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ.
બાળકો અને વૃદ્ધો માટે: જો કોઈને શરીર ઉપર ચકામા થાય, ઝાડા ઉલટી થાય તો તરત આસપાસની હોસ્પિટલમાં જરૂરી સારવાર કરાવી જોઈએ. કોઈપણ પ્રકારના પ્રાથમિક જરૂરિયાત ધ્યાનમાં રાખવાથી ગંભીર પ્રકારના રોગથી બચી શકાય છે. કોઈપણ વ્યક્તિના સંપર્કમાં આવવા સમયે માર્ક પહેરવું પણ ખૂબ જ જરૂરી છે. તેમજ વૃદ્ધોને અને બાળકોની વિશેષ કાળજી રાખવી જરૂરી છે.