અમદાવાદ: અમદાવાદમાં આયોજિત પ્રિ-વાઇબ્રન્ટ એક્સપોર્ટર્સ કોન્ફરન્સ-'એક્સ્પોર્ટ એક્સેલરેટ'ને સંબોધતા સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ કોન્ફરન્સ રાઈટ જોબ એટ ટાઈમ છે. ગેટ વે ટુ ધ ફ્યુચરની થીમ સાથે 10મી વાઇબ્રન્ટ સમિટ આગામી 10થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન યોજવા જઈ રહી છે ત્યારે એક્સ્પોર્ટને એક્સલરેટ કરવા માટેની આ પ્રિ-વાઈબ્રન્ટ કોન્ફરન્સ એક મહત્ત્વની કડી સાબિત થશે.
આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2003 માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને બે દાયકાથી વૈશ્વિક રોકાણકારોના મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદથી આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દુનિયાભરના રોકાણકારો, ઉદ્યોગકારો, થોટલીડર્સ માટે નોલેજ શેરિંગનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ચૂકી છે.
'વડાપ્રધાનના વિકસિત ભારતના લક્ષ્યની પૂર્તિ માટે નેતૃત્વ કરી શકે તેવું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. વિકાસ અને નિકાસ મામલે ગુજરાત ફ્રન્ટ રનર રહ્યું છે. આજે અનેક ક્ષેત્રના ઉત્પાદકો અને રોકાણકારોને ગુજરાત આકર્ષી રહ્યું છે. પીએમ મોદીએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક ટીમ તરીકે કામ કરવા આહવાન કર્યું છે. ત્યારે રાજ્યના વિકાસથકી રાષ્ટ્રના વિકાસનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે.' -સંજીત સિંહ, નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર
આજના પ્રસંગે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, આજથી 20 વર્ષ પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદૃષ્ટિને કારણે આજે ગુજરાત દેશનું એક્સપોર્ટ હબ બન્યું છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી સમયમાં ગુજરાત વિશ્વ સ્તરે એક્સપોર્ટ હબ બનશે. ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ હોવાનું જણાવી તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાંથી વિશ્વના દેશોમાં થતી નિકાસ પણ નોંધપાત્ર છે. ગુજરાતમાંથી અમેરિકામાં 27%, સાઉદીમાં 37%, ઓસ્ટ્રેલિયામાં 52%, સાઉદી અરેબિયામાં 41%, મલેશિયામાં 30% નિકાસ થાય છે.
આમંત્રિત મહેમાનો ઉપસ્થિત: આજના પ્રિ-વાયબ્રન્ટ એક્સપોર્ટર્સ કોન્ફરન્સમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, રસના ઇન્ટરનેશનલના ગ્રૂપ ચેરમેન પીરુઝ ખંભાતા, હિતાચી હાઇરેલ પાવરના મેનેજિંગ ડિરેકટર દર્શનભાઈ શાહ સહિતના ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.