અમદાવાદ : શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં વર્ષો જૂની પોસ્ટ ઓફિસ આવેલી છે. જેમાં હાલ પોસ્ટ, ટપાલ અને બેંકિંગનું કામ પૂરજોશમાં ચાલે છે. પરંતુ આ પોસ્ટ ઓફિસમાં કામ કરતાં સ્ટાફની હાલત દયનીય છે. વર્ષો જૂનું ચાલીના મકાન જેવું બંધિયાર કેમ્પસ અને ગમે ત્યારે ધરાશાયી થઇ જાય એવો અંદરનો ભાગ છે. આખી પોસ્ટ ઓફિસની દિવાલમાં ક્યાંય પ્લાસ્ટર નથી, તેમજ તુટેલી ઇંટો અને ગાબડાં દેખાય છે. પોસ્ટ ઓફિસનું છજુ પડું-પડું થઇ રહ્યું છે. પોસ્ટ અને બેંકિંગની કામગીરીથી સતત ધમધમતા આ કેમ્પસમાં જર્જરિત ઇમારતને કારણે બધુ જ જાણે કે અસ્ત વ્યસ્ત છે.
અહીં જે ચાંદલોડિયા વિસ્તારની પોસ્ટ ઓફિસની વાત રજૂ કરવામાં આવી છે, એ હવે કોઈ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર નથી. આ પોસ્ટ ઓફિસની ચોતરફ લાખો લોકો વસે છે. સરકારો ઉત્સવો, મેળાની ઉજવણીમાં કરોડો ખર્ચે છે. નેતાઓ અને અધિકારીઓની બેસવાની કેબિનો, ઇમારતો અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજીથી સજ્જ કરી દેવામાં આવે છે. તો જ્યાં હજારો લોકો નાની બચત જમા કરાવવા આવે છે, એ ઇમારતની હાલત ખંડેર જેવી કેમ..?