અમદાવાદઃ જ્યારથી કોરોના વાયરસનું સંક્રમણ શરૂ થયું છે અને સંપૂર્ણ ભારતમાં લોકડાઉન આપવામાં આવ્યુ છે. ત્યારથી સોશિયલ ડિસ્ટન્સનો સિદ્ધાંત કાયદેસર રીતે અમલમાં આવ્યો છે. પરંતુ મોટાભાગે શહેરમાં શાકભાજીના વેચાણકર્તાઓ દ્વારા આ કાયદાનું પાલન ન થતાં તેમની પર પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લાં કેટલાક દિવસોથી શાકભાજીના વેચાણકર્તાઓ મોટા શહેરોમાં કોરોના વાયરસના સુપર સ્પ્રેડર્સ બન્યાં છે. અમદાવાદ અને સૂરત જેવા શહેરોમાં શાકભાજીના વેચાણકર્તાઓના અનેક કોરોના પોઝિટિવ કેસ આવી ચૂકયાં છે. ત્યારે તંત્ર માટે તેમની સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ કરવી પણ એક મોટી મુસીબત બની છે.
આ બધું થવાનું કારણ શાકભાજીના વેચાણકર્તાઓ દ્વારા રાખવામાં આવતી બેદરકારી છે. જેમાં મોટાપાયે માસ્ક ન પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવું, તંત્રની સૂચનાઓ ન માનવી વગેરેનો બાબતોનો સમાવેશ થાય છે. આ વાતને ધ્યાનમાં લઈને શહેર પોલીસ દ્વારા શાકભાજીના વેચાણકર્તાઓ ઉપર સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરતા શાકભાજીના વેચાણકર્તાઓની લારી અને ત્રાજવા જપ્ત કરવામાં આવે છે. સોલા પોલીસ સ્ટેશનમાં આવા જપ્ત કરાયેલા સાધનોનો ઢગલો સર્જાયો છે.
સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે પી જાડેજાનું કહેવું છે કે આ શાકભાજીના વેચાણકર્તાઓ લોકડાઉનના નિયમનું પાલન કરતાં નથી. તેમ જ સુપર સ્પ્રેડર્સ સાબિત થયાં છે. ત્યારે રોજના આવા 25થી 30 શાકભાજીના વેચાણકર્તાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે.