અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયા સાથે ક્રિકેટના 75 વર્ષની ઉજવણી અમદાવાદના મોદી સ્ટેડિયમમાં કરી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ સાથે બેસીને ઓસ્ટ્રેલિયા ભારત વચ્ચેની ટેસ્ટ મેચ નિહાળી હતી. દેશ અને દુનિયાને એક જબરજસ્ત મેસેજ પણ કન્વેય કર્યો હતો કે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે નવા સંબધોનો આયામ શરૂ થઈ ચુક્યો છે.
પીએમ મોદીને ખેલાડીઓ સાથે અનેરો નાતો : હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા પછી તેમણે ગુજરાતમાં ખેલ મહાકુંભ શરૂ કરાવ્યો હતો. રાજ્યના મોટા શહેરોમાં ખેલ મહાકુંભ યોજીને રમતગમતને પ્રોત્સાહન આપ્યું હતું. તે ખેલ મહાકુંભથી ખેલાડીઓ તૈયાર થયા અને ઈન્ટર સ્ટેટ અને દેશ બહાર રમતમાં ભાગ લેતા થયા. નેશનલ લેવલ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ભાગ લેવા માટે ગુજરાતના ખેલાડીઓને ઈંજન મળ્યું હતું. ત્યાર પછી 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પણ તેમનો રમતગમત પ્રત્યેનો પ્રેમ વધુ વધ્યો હતો. પીએમ મોદીનો વિવિધ રમતોના ખેલાડીઓ સાથે અનેરો નાતો રહ્યો છે.
2014 પછી દેશના મેડલ લાવનારાની સંખ્યા વધી : દેશના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને ક્રિકેટ સહિતની અનેક રમતોમાં ભાગ લેવા માટેની ટ્રેનિંગ હોય કે પછી તેમને યોગ્ય પ્લેટફોર્મ પુરુ પાડવા માટે બજેટમાં પણ વધારો કર્યો હતો. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ભારતના પ્લેયર્સો વિવિધ રમતોમાં સૌથી વધુ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ લઈને આવ્યા છે. જીતીને આવનાર પ્લેયર્સ સાથે વન ટુ વન મળવું તેમનો ઉત્સાહને વધારવો, તે તેમનો મુખ્ય રોલ રહ્યો છે. નરેન્દ્ર મોદીએ પ્લેયર્સોમાં પણ ખાસ્સી ચાહના મેળવી છે. તેમની ઈનામી રકમમાં વધારો કરીને તેમને મળતું પ્રોત્સાહન વધાર્યું છે.
મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને મોદી સ્ટેડિયમ કરાયું : અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાયું છે. અને આ મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ બન્યું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ટ ટ્રમ્પના હસ્તે આ સ્ટેડિયમને ખુલ્લું મુકાયું હતું. મોદી સ્ટેડિયમની આજુબાજુમાં વિવિધ રમત રમી શકાય તે માટે સ્પોર્ટસ સંકુલ પણ ઉભુ થઈ રહ્યું છે. આમ નરેન્દ્ર મોદીનો સ્પોર્ટ્સ પ્રત્યેનો પ્રેમ દિનપ્રતિદિન વધી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા ભારત વચ્ચેના ક્રિકેટના 75 વર્ષના સંબધોની ઉજવણી : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ અમદાવાદ આવ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મોદી સ્ટેડિયમમાં બેસીને ઓસ્ટ્રેલિયા ભારત વચ્ચેની ટેસ્ટ મેચ નિહાળી હતી. ભારત ઓસ્ટ્રેલિયાના ક્રિકેટના સંબધોના 75 વર્ષની ઉજવણી કરી અને ચીન તેમજ પાકિસ્તાનને સંદેશો આપી દીધો છે. મોદી સ્ટેડિયમમાં બન્ને દેશના પીએમ વચ્ચેની મુલાકાત દેશ અને દુનિયાએ જોઈ છે. બન્ને વડાપ્રધાન વચ્ચેના સંબધ બન્ને દેશને નવી દિશા આપવાનું કામ કરશે. વિશ્વના દેશોના પ્રમખો અને વડાપ્રધાન મોદી ડિપ્લામસીના વખાણ કરતાં થાકતા નથી.
આ પણ વાંચો PM Modi and PM Albanese: સ્ટેડિયમ પર બેસીને બંને PMએ મેચ નિહારતા ચા પર કરી ચર્ચા
8 વર્ષમાં 18 દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન અમદાવાદના મહેમાન : 2014થી માંડીને અત્યાર સુધીમાં 18 દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નવી દિલ્હીથી નીકળીને અમદાવાદ આવ્યા છે. પહેલા પણ આવી મુલાકાત થતી હતી, પણ તે સાબરમતીમાં આવેલ ગાંધી આશ્રમ સુધીની મુલાકાત સીમીત રહેતી હતી. પણ 2014 પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ભારતના વિવિધ રંગોને દુનિયા સુધી પહોંચાડવાનો ભરપુર પ્રયાસ કર્યો છે.
નમસ્તે ટ્રમ્પ મોદી સ્ટેડિયમમાં : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એલ્બાનીઝે મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફિ પણ લીધી હતી. તેની પહેલા 2014માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમદાવાદ આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. રીવરફ્રન્ટ પર ઝુલા ઝુલ્યા હતાં, સીદી સૈયદની જાળી નિહાળી, ગાંધી આશ્રમની મુલાકાત આ બધુ યાદગાર બની ગયું છે. 2017માં જાપાનના વડાપ્રધાન શિન્જો આબે અમદાવાદ આવ્યા હતા. જાપાનના સહયોગથી અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાના પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો. તેમજ 2020માં ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવ્યા, ત્યારે નમસ્તે ટ્રમ્પનો મોદી સ્ટેડિયમનો કાર્યક્રમ અદભૂત હતો, તેની યાદ હજી દેશ અને દુનિયા વાગોળી રહ્યું છે. આમ છેલ્લા 8 વર્ષમાં 18 દેશના પ્રેસિડેન્ટ અને વડાપ્રધાન અમદાવાદના મહેમાન બન્યા છે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિપ્લોમસીને કારણે શક્ય બન્યું છે.
રમતગમત ક્ષેત્રે ભારત આગળ વધે તે સ્વપ્ન છે : સીનીયર પત્રકાર હરેશ ઝાલાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પીએમ મોદી રમત પ્રત્યે ખૂબ રૂચિ ધરાવે છે. તેઓ બાળકોથી શરૂ કરીને યુવાનો વધુને વધુ રમતો ખેલે અને દેશ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લે. દેશ વધુને વધુ મેડલ જીતીને લાવે. તે માટે થઈને પીએમ મોદી સ્પોર્ટસ અંગેની યોજનાઓ લાવી રહ્યા છે. તેમજ દેશમાં આધુનિક સુવિધા સાથેના સ્પોર્ટસ સંકુલ ઉભા કરવા માટે બજેટની વધુ રકમ પણ ફાળવી રહ્યા છે. તેમજ 2036 ભારત ઓલમ્પિક્સનું યજમાન બનવા જઈ રહ્યું છે. તે પહેલા ભારતના ખેલાડીઓ વધુને વધુ ટ્રેનિંગ લે અને તૈયારી કરે. આ બધી યોજનાઓ જોતા પીએમ મોદીનો રમત અંગેનો પ્રેમ દેખાય છે.