અમદાવાદ : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ તેમજ સંજય સિંહ સામે પીએમ ડિગ્રી વિવાદ બાબતે ગુજરાત યુનિવર્સિટી વિશે ટિપ્પણી કરાતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં મેટ્રો કોર્ટે બંને આરોપીઓને સમન્સ પાઠવતા આરોપીઓને હાજર રહેવા માટે ફરમાન કર્યું હતું. જોકે બંને આરોપીઓએ આમ વચગાળાની રાહત મેળવવા માટે સેશન કોર્ટમાં અરજી કરી હતી પરંતુ સેશન કોર્ટે પણ અરજી ફગાવી દેતા તેમણે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જ્યાં આજે ગુજરાત હાઇકોર્ટે પણ તેમને સ્ટે મેળવવા માટે ઇન્કાર કર્યો હતો.
હાજર રહેવું ફરજીયાત નથી : ગુજરાત યુનિવર્સિટી તરફથી એડવોકેટ અમિત નાયરે જણાવ્યું હતું કે, આ કેસમાં બંને આરોપીઓના એડવોકેટ મારફતે મેટ્રો કોર્ટમાં પ્રિ- રેકોર્ડિંગ કરવામાં આવ્યા છે. આજે હાલ પૂરતી બંને આરોપીઓને હાજરી મુક્તિની અરજી કોર્ટે સ્વીકારી હતી. અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે પણ પૂછ્યું હતું કે, વારંવાર સમન્સ આપવા છતાં પણ કેમ આરોપીઓ હાજર રહેતા નથી? જ્યારે અરવિંદ કેજરીવાલના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે અત્યારે હાલ પૂરતી તમામ કાર્યવાહી પ્રિ રેકોર્ડિંગ માટે કરવામાં આવે.
કાર્યવાહી પ્રિ રેકોર્ડિંગ મારફતે થશે : અરવિંદ કેજરીવાલના વકિલ તરફથી કરવામાં આવેલી આ રજૂઆતને મેટ્રો કોર્ટે માન્ય કરાતા અત્યારે હવે આગળની કાર્યવાહી પ્રિ રેકોર્ડિંગ મારફતે થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં હાઇકોર્ટમાં આગળની મુદત 29 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. ત્યારે બંને આરોપીઓને હાજર રહેવું કે નહીં તે હાઇકોર્ટની કાર્યવાહી બાદ ખબર પડશે. જ્યારે મેટ્રો કોર્ટમાં આ સમગ્ર મામલે 31 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.