અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા અમૂલ્ય કોમ્પ્લેક્સના ત્રીજા માળે એક હત્યાનો બનાવ બન્યો હતો. એડવોકેટ અને ફાયનાન્સની ઓફિસમાં 17 વર્ષની સગીરા ઈશાની સંદીપભાઈ પરમાર બપોરે એકલી હતી તે સમયે તે ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી, ત્યારે એક શખ્સે આવી અને ઈશાની પર હુમલો કર્યો હતો. આ હત્યાની જાણ થતા જ એલીસબ્રિજ અને ક્રાઇમબ્રાન્ચનોં કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ઈશાની પરમાર પાંચ માસથી હાઇકોર્ટના એડવોકેટ મહેમુદ સંગરિયાતની એડવોકેટ અને ફાયનાન્સની ઓફિસમાં ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી. તે મૂળ નડિયાદની રહેવાસી હતી અને અપડાઉન કરતી હતી. ઘટના સ્થળ પરથી પોલીસને ફ્રેન્કીન એર હોસ્ટેસ ટ્રેઇનિંગ સેન્ટરનું આઈકાર્ડ મળી આવ્યું હતું, ત્યારે કોમ્પ્લેક્સના CCTV ફુટેજમાં પણ હત્યારો કેદ થયો હતો. જેમાં તે બપોરના સમયે આવી અને 3 મિનિટના સમયમાં જ હત્યા કરી ફરાર થઈ જાય છે.
આ હત્યા મામલે ક્રાઈમ બ્રાંન્ચે ગણતરીના કલાકોમાં જ આરોપી નરેશને ઝડપી પાડ્યો હતો. આરોપી હત્યા કર્યા બાદ પોતાના બહેનના ત્યાં બાયડના અમારીયાડ ગામમાં નાસી ગયો હતો. આરોપીની અટકાયત કરીને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તેને યુવતી સાથે 6 વર્ષથી મિત્રતા હતી જેને તે પ્રેમ સમજતો હતો. પરંતુ, યુવતી પ્રેમ કરતી ન હતી.
યુવતી નડિયાદથી રોજ એક અન્ય યુવક સાથે ટ્રેનમાં આવતી હતી. જેથી અન્ય યુવક સાથે મિત્રતા થઈ હતી. જે વાત નરેશને પસંદ ન હતી અને નરેશ આ બાબતે યુવતી પર શંકા રાખતો હતો. આ મુદ્દે ત્રણેય લોકો કાલે સવારે સાથે ટ્રેનમાં અમદાવાદ આવ્યા હતાં અને અમદાવાદના લૉ ગાર્ડન પાસે યુવતી અને અન્ય યુવક વચ્ચે કોઈ સંબંધ નથી તેવું નરેશે જણાવ્યું હતું તેમ છતાં નરેશ યુવતી પર શંકા રાખતો હતો. જેના પગલે યુવતીએ કંટાળીને નરેશને ક્યારેય વાત ન કરતો તેવું જણાવ્યું હતું જેનું નરેશને લાગી આવતા યુવતીની ઓફિસની નીચેથી જ નરેશે છરી લીધી હતી અને યુવતીના પેટ તથા ગળાના ભાગે ઇજા પહોંચાડી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપીને એલિસબ્રિજ પોલીસને સોંપ્યો છે.