અમદાવાદઃ હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો, જોકે શિક્ષણ વિભાગ દ્વારા ફિઝિકલ સ્વરૂપમાં પરીક્ષા યોજવાનો ઠરાવ પસાર કર્યો, જે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ વિરુદ્ધ પણ છે. હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોનાકાળ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ તેમના ઘરે પરત ફર્યા છે અને જો પરીક્ષા આપવા પાછા આવશે તો તેમને હાલાકીનો સામનો કરવો પડશે.
હાઇકોર્ટમાં દાખલ કરેલી પિટિશનમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે અને જો વિદ્યાર્થીઓ ફિઝિકલ સ્વરૂપમાં પરીક્ષા આપવા માટે આવશે ત્યારે તેમને ચેપ લાગવાની શકયતા છે, માટે ઠરાવને રદ કરવામાં આવે. નોંધનીય છે કે ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં યોજાનાર સેમેસ્ટરની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.