ACBમાં ફરજ બજાવતા PI ડી.ડી. ચાવડાને 18 લાખની લાંચ લેતા અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા, ત્યારે જૂનાગઢના ડૉક્ટર અને તેના મિત્ર પાસેથી રૂપિયા 15 લાખની લાંચ માંગ હતી તેને લઈને ડૉક્ટરે PI ચાવડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ડોક્ટર અને તેના મિત્ર જૂનાગઢમાં હોસ્પિટલ ચલાવે છે. આ હોસ્પિટલ રહેણાંક વિસ્તારમાં આવતી હોવાથી આ અંગે કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે. જેની કોર્ટ કાર્યવાહી ચાલુ હતી, તે દરમિયાન ખાનગી વ્યક્તિ દ્વારા તેમની વિરૂદ્ધ જૂનાગઢમાં હોસ્પિટલના બાંધકામ તથા વપરાશ સબંધિત જુદી જુદી અરજીઓ થઇ હતી. જેથી ACBના પી.આઈ ડી ડી ચાવડાએ ડોક્ટરનો સંપર્ક કરી આ અરજીની તપાસ પોતાની પાસે હોવાનું જણાવી ડોક્ટર પાસે 15 લાખ રૂપિયાની લાંચ માંગી હતી સાથે જ તેમને ધમકી પણ આપી હતી.
PI ચાવડાએ ડોક્ટરને સબંધિત કાગળો સાથે પોતાની ઓફિસે બોલાવ્યા હતા. જેમાં ચાવડાએ આ દરમિયાન ઓફિસમાં ડોક્ટરને ધમકાવતા કહ્યું કે, રેસીડેન્સીયલ વિસ્તારમાં કોમર્શીયલ ના કરી શકાય, સાથે જ કહ્યું કે તમે ડોક્ટરોનું એસોસિએશન બનાવી ફંડ ભેગુ કરી 15 લાખ લાંચ પેટે આપવાનું કહ્યું હતું. એક તરફ ચાવડા વિરૂદ્ધ 18 લાખની લાંચનો ગુનો દાખલ થયેલો જ છે, ત્યારે ડોક્ટરે પણ ફરિયાદ નોંધાવાતા ડી ડી ચાવડા વિરૂદ્ધ જૂનાગઢ એસીબીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેની તપાસ રાજકોટ એસીબીને સોપવામાં આવી છે.