મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની અઠવાડિયાથી તાવની બિમારીમાં સપડાઇ હતી. તેની સારવાર કારાગત નીવડી ન હતી અને ડેન્ગ્યૂના લક્ષણો જણાઇ આવ્યા હતાં. જેથી વિદ્યાર્થિનીના પરિવારજનોએ તેને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જ્યાં ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રોગ કાબુમાં નહીં આવતા સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. જેને પગલે કોલેજ કેમ્પસમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. તો બીજી તરફ એક પછી એક વિદ્યાર્થીઓને વાઇરલ ઇન્ફેક્શન લાગવાથી તાવ સહિતની બિમારીમાં સપડાતા રોગચાળો ફેલાઇ રહ્યો છે, તેના પગલે કેટલાક વિદ્યાર્થીને હોસ્ટેલ છોડવાની ફરજ પડી છે. તો કેટલાક વિદ્યાર્થી બિમારીના કારણે ઘરે જતા રહ્યા છે. મેડિકલ કોલેજના સત્તાવાળાઓની ગંભીર બેદરકારીના કારણે કેમ્પસમાં ગંદકીના લીધે મચ્છરોનો વ્યાપક ઉપદ્રવ થયો છે. આ ઉપરાંત કોલેજ બિલ્ડીંગની ગેલેરી, હોસ્ટેલ, ટેરેસ અને ટોઇલેટમાં ગંદકી ખદબદતી હોવાના ફોટો અને વિડિયો પણ વિદ્યાર્થીઓના મોબાઇલમાં વાઇરલ થયા છે.
વિદ્યાર્થીઓ બીમાર પડવાના કારણે કોલેજમાં સ્ટૂડન્ટ્સની હાજરીમાં ઘટાડો થયો હોવાનું પણ વિદ્યાર્થીઓ દ્વારા જણાવાઇ રહ્યું છે. વિદ્યાર્થીઓ ડેન્ગ્યૂની બિમારીમાં સપડાયા હોવા બાબતે મેડીકલ કોલજના ડીન ડો. મોદીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે તેમણે એવુ કહ્યું હતું કે કોલેજમાં કોણ બિમાર છે તેની તમામ જાણકારી મારી પાસે ક્યાંથી હોય. ડેન્ગ્યૂ બાબતે તેમણે કહ્યું કે અમદાવાદમાં ૪ માસથી ડેન્ગ્યૂનો કેર છે, તેવુ કોઇ કહેતુ હોય તો મને ખબર નથી. જો કે તેમણે ડેન્ગ્યૂના કારણે મેડિકલની એક વિદ્યાર્થિનીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ હોવાની ઘટનાને સમર્થન આપ્યુ હતું. આ બાબતે તેમણે એમ પણ કહ્યું કે કોલેજમાં શોકનો માહોલ છે અને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.