અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 101મું અંગદાન નોંધાવા પામ્યું છે. રાજસ્થાન ભીલવાડાના દર્દીએ ગુજરાતના ચાર જરૂરિયાતમંદ દર્દીઓને પોતાના અંગદાન થકી નવજીવન બક્ષ્યું હતું.રાજસ્થાનથી સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા 35 વર્ષના ભંવરલાલ ખટીક બ્રેઇનડેડ થયાં હતાં. જેને લઇને ભવંરલાલ ખટીકના સ્વજનોએ તેમના અંગદાનનો નિર્ણય કર્યો હતો. જેનાથી બે કિડની,લીવર અને હ્રદયનું દાન મળ્યું હતું અને ગુજરાતના ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું હતું.
અત્યારસુધીમાં 301 જરુરિયાતમંદ દર્દીઓને નવજીવન : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ અંગદાન સાથે સિવિલમાં બે વર્ષમાં 101નું અંગદાન નોંધાયું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં અંગદાતાઓ દ્વારા મળેલા કુલ 325 અંગોથી 301 જરુરિયાતમંદ દર્દીઓને નવજીવન મળી ચૂક્યું છે.
આ પણ વાંચો બ્રેઇનડેડ દર્દીના અંગદાનથી ત્રણ દર્દીને નવજીવનની ભેટ મળી
101મું અંગદાન : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થઇ રહેલી અંગદાનની પ્રવૃત્તિઓ વિશે વધુ જાણકારી આપતાં સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે સરકાર, સમાજ અને સેવાભાવી લોકોના સહકારથી અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની ગઇ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની છે. જેના પરિણામે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજરોજ 101મું અંગદાન થયું છે.
સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર : રાજસ્થાન ભીલવાડાના 35 વર્ષીય ભંવરલાલ ખટીકને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયાં હતાં. ભવંરલાલ ખટીક બ્રેઇનડેડ જાહેર થતાં અમદાવાદ સિવિલની SOTTOની ટીમે તેમના સ્વજનોને અંગદાન અંગેની સમજ આપી અંગદાનની પ્રવૃત્તિનું મહત્ત્વ અને તેની અન્ય દર્દીઓને કેટલી બધી જરુરિયાત હોય છે તે વિશે જણાવ્યું હતું. ભવરલાલ ખટીકના સ્વજનોએ આ જાણકારીના પગલે જનકલ્યાણને સર્વોપરી રાખીને પોતાના મૃત સ્વજન ભંવરલાલના અંગોના દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો ચા પીવા ગયેલા યુવકે અકસ્માતના કારણે ગુમાવ્યો જીવ, પરિવારે અંગદાન કરી 3 લોકોને આપ્યું નવજીવન
રીટ્રાઇલ સર્જરી : ભંવરલાલના પરિવારજનોની સંમતિ મળતાં જ અંગોની રીટ્રાઇલ સર્જરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી. બ્રેઇનડેડ ભંવરલાલના અંગોને રીટ્રાઇવ કરતાં બે કિડની, એક લીવર અને હૃદયનું દાન મેળવવામાં ડોક્ટરોને સફળતા મળી છે. હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે કિડની અને લીવરને સિવિલ મેડીસીટીની કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે સારવાર મેળવી રહેલા જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.
અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી : સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ 101માં અંગદાન બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સરકાર,સમાજ તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થાઓ, દિલિપભાઈ દેશમુખ જેવા સેવાભાવી લોકો અને મીડિયાની જનજાગૃતિના પ્રયાસોથી મળેલા સહકારના પરિણામે જ હોસ્પિટલમાં અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની છે. આ બે વર્ષમાં 101 અંગદાતાઓ દ્વારા મળેલ 325 અંગોથી 301 જરુરિયાતમંદોને નવજીવન મળ્યું છે.