અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના પૂરક પરીક્ષા આપવાની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન આવેદનપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં અભ્યાસ કરતા ધોરણ-10ના વિદ્યાર્થીઓ જેમણે માર્ચ 2020 બોર્ડની પરીક્ષા આપેલી હોય અને વધુમાં વધુ 2 વિષયમાં નાપાસ હોય કે ગેરહાજર રહેલા હોય, તેવા વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપવા માટે તારીખ 10 જુલાઇ સાંજે 5 વાગ્યા સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ માટે બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા sscpurakreg.gseb.org પર અરજી કારવાની રહેશે. જ્યારે ધોરણ-12 માં વધુમાં વધુ એક વિષયમાં નાપાસ કે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપવા બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા hscgenpurakreg.gseb.org પર 13 જુલાઈ સાંજના 5 વાગ્યા સુધી અરજી કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે,પૂરક પરીક્ષા બાબતે કોઈપણ રીતે ટપાલ દ્વારા કે રૂબરૂમાં અરજી મોકલી શકાશે નહીં. કન્યા તેમજ દિવ્યાંગ ઉમેદવારોને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે એક વિષયની પરીક્ષા ફી 140 રૂપિયા રહેશે.આવેદન અને ફી શાળામાં કે ઓનલાઇન એમ બંને રીતે ભરી શકાશે. પૂરક પરિક્ષાઓને લઇને મૂંઝવતા પ્રશ્નો કે વધુ જાણકારી માટે બોર્ડની વેબસાઇટ જોતા રહેવું અને શાળાના આચાર્યનો સંપર્ક કરવો.તેમ શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે.