અમદાવાદ: જિલ્લાનાં કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દોઢ મહિના પહેલા થયેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ મામલે ગ્રામ્ય એલસીબીની ટીમે ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરી લૂંટમાં ગયેલા મુદ્દામાલને રિકવર કર્યો છે. આરોપીઓને વધુ તપાસ માટે તેઓને કણભા પોલીસને હવાલે કરાયા છે. આ મામલે પકડાયેલા આરોપીઓ સામે કણભા પોલીસ મથકે લૂંટનો ગુનો નોંધાયેલો હોય પકડાયેલા આરોપીઓને કણભા પોલીસને હવાલે કરાયા છે. આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે તપાસ પોલીસે શરૂ કરી છે.
પ્રેસ વિજ્ઞાપ્તિ અનુસાર: ગ્રામ્ય LCB દ્વારા સત્તાવાર આપવામાં આવેલી પ્રેસ વિજ્ઞાપ્તિ અનુસાર તારીખ 23 જૂન 2023 ના રોજ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એખ લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમદાવાદ ઈન્દોર હાઈવે પર એક વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા. તે સમયે અજાણ્યા શખ્સોએ ફરિયાદીને રોકી ગળુ પકડી નીચે પાડીને પૈસાની માંગ કરી હતી. જોકે ફરિયાદીએ બુમાબુમ કરતા આરોપીઓને ફરિયાદીને જમણા પડખાના ભાગે છરીના ધા બે ઘા મારીને તેઓને મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા, જે બાદ આ મામલે કણભા પોલીસ મથકે લૂંટનો ગુનો નોંધાયો હતો.
કબૂલાત કરી: આ મામલે ગુનો નોંધાતા જ સ્થાનિક પોલીસે અને ગ્રામ્ય એલસીબીની ટીમ આરોપીની તપાસમાં હતી. ત્યારે એલસીબીની ટીમને બાતમી મળી હતી. આ ગુનામાં સામેલ 3 આરોપીઓ કણભા બ્રિજ પાસેથી પસાર થવાના છે. જે બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓની તપાસ કરતા તેઓના નામ અજય તિવારી, સચ્ચિદાનંદ શુક્લા અને અવધેષકુમાર ઉર્ફે મોનુ તિવારી અને ત્રણેય આરોપીઓ ઉત્તરપ્રદેશના હોવાનું ખુલ્યું હતું. આ મામલે આરોપીઓ પાસેથી મળી આવેલુ મોટરસાયકલ તેઓએ સુરતમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.