અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં 30મી જાન્યુઆરીએ વેપારીની સોનાના દાગીના ભરેલી બેગ ખેંચીને બાઈક પર આવેલા બે શખ્સો ફરાર થઈ ગયા હતા. વેપારીના બેગમાં 1 કરોડ 30 લાખની કિંમતના સોનાના દાગીના હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જે મામલે નિકોલ પોલીસે બાતમીના આધારે ઠક્કરનગર પાસે આવેલા સરદાર મોલ પાસેથી નિખિલ રાઠોડ નામના આરોપીની ધરપકડ કરીને લૂંટાયેલા મુદ્દામાલમાંથી 87 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.
આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, 4 શખ્સોએ ભેગા મળીને આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પકડાયેલા આરોપી નિખિલ સિવાય અન્ય 3 આરોપી કુબેરનગર વિસ્તારના રહેવાસી હોવાનું પણ ખુલ્યું હતું. લૂંટ પહેલા આરોપીઓએ આ વિસ્તારમાં રેકી કરી હોવાનું પણ ખુલ્યું હતું. અન્ય 3 આરોપીમાં મનીષ સેવાણી, ઉત્તમ તમંચે અને વિશાલ તમંચેની પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
પકડાયેલો આરોપી નિખિલ રાઠોડ અગાઉ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આંગડિયા પેઢીમાં 7 લાખની લૂંટના ગુનામાં, તેમજ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ચેન સ્નેચિંગના ગુનામાં પકડાયેલો હોવાનું ખુલ્યું છે. હાલ તો પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. તેમજ અન્ય લૂંટનો મુદ્દામાલ અને 3 આરોપીઓ અંગે પુછપરછ કરનામાં આવી રહી છે.