અમદાવાદઃ આજે સરદાર પટેલની જન્મ જયંતિ છે. ભારતના લોખંડી પુરુષે પોતાની કુનેહ અને રાજદ્વારી સમજને પરિણામે અખંડ ભારતની રચના થઈ છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરદાર પટેલની યાદમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડને ગુજરાતના મુખ્ય પ્રધાને ફ્લેગ ઓફ કરાવી હતી. 4.2 કિલોમીટરની એકતા દોડની થીમ એક ભારત- શ્રેષ્ઠ ભારત, દોડશે અમદાવાદ-જોડશે ભારત રાખવામાં આવી છે. આ દોડમાં 7000થી વધુ દોડવીરોએ ભાગ લીધો છે.
મહાનુભાવો ઉપસ્થિતઃ અમદાવાદના રિવરફ્રંટ પર યોજાયેલ રન ફોર યુનિટમાં ગુજરાત મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ, મેયર પ્રતિભા જૈન, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, તમામ કાઉન્સિલર્સ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રન ફોર યુનિટીમાં પોલીસના જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં જોડાયા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલનું અખંડ ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમના માનમાં યોજાતો આ કાર્યક્રમ ખૂબ જ અદભુત છે. હું આયોજકોનો આ આયોજન બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. હું રન ફોર યુનિટીનો એક ભાગ બનવા પર ગર્વ અનુભવું છું...દોડવીર(રન ફોર યુનિટી, સાબરમતિ રિવરફ્રંટ)
ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ખાતે રન ફોર યુનિટીઃ આજે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં આવેલ સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યૂ પાસેથી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી હતી. ગૃહ પ્રધાને પણ રન ફોર યુનિટીમાં ભાગ લીધો હતો.
દેશના તમામ નાગરિકો નાત-જાત-ધર્મથી પર રહી એક થઈ, એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારને અપનાવશે ત્યારે વૈશ્વિક ફલક ઉપર ભારત સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે. રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે એકતા ખૂબ જ જરૂરી છે...હર્ષ સંઘવી(ગૃહ પ્રધાન, ગુજરાત સરકાર)
5000થી વધુ લોકો જોડાયાઃ ગાંધીનગર ખાતેની આ રન ફોર યુનિટીમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, કલેકટર, ગાંધીનગર રેન્જ આઈ.જી, પોલીસ અધિક્ષક, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મહાનુભાવો, બીએસએફ અને સીઆરપીએફ, પોલીસ જવાનો, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અને યોગ બોર્ડના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત ૫૦૦૦ થી વધુ નાગરિકો રન ફોર યુનિટીમાં જોડાયા હતા.