અમદાવાદઃ પૂર્વ આરોગ્યપ્રધાન જય નારાયણ વ્યાસ દ્વારા સિદ્ધપુરમાં આવેલી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની દયનીય પરિસ્થિતિ મુદ્દે અરજી દાખલ કરવામાં આવી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જાળવણી અને અયોગ્ય વ્યવસ્થાના અભાવે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે તેવા આક્ષેપ સાથેની અરજી કરવામાં આવી છે.
સોગંદનામુ રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો : ગત સુનાવણીમાં હાઇકોર્ટે આ સમગ્ર મામલે સરકારને જવાબ રજૂ કરવા માટે આદેશ આપ્યો હતો. આ સાથે જ સોગંદનામુ રજૂ કરવા માટે પણ હુકમ કર્યો હતો. જોકે આજની સુનવણી દરમિયાન રાજ્ય સરકારે કોર્ટ પાસે સોગંદનામુ રજૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો હતો. સરકાર દ્વારા કરવામાં આવેલી આ માંગને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે હવે સાત જુલાઈ સુધીમાં સરકારને જવાબ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે. મહત્વનું છે કે આ મામલે હવે સરકારે 7 જુલાઈના રોજ કોર્ટમાં સોગંદનામુ રજૂ કરવાનું રહેશે ત્યારે આ કેસની વધુ સુનવણી 7 જુલાઈના રોજ હાથ ભરાશે ત્યારે કોર્ટ મહત્વના આદેશ આપી શકે છે.
શું છે સમગ્ર કેસ : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો પૂર્વ આરોગ્યપ્રધાન જય નારાયણ વ્યાસ દ્વારા સિદ્ધપુરમાં આવેલી સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ મુદ્દે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં મેન્ટેનન્સ કરવામાં આવતું નથી જેના કારણે અહીંના દર્દીઓને સારવાર લેવા માટે અમદાવાદ સુધી જવું પડે છે.
હોસ્પિટલની હાલત દયનિય : આ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ની સ્થિતિ ત્યાં સુધી ખરાબ છે કે તેના બારી બારણા પણ ચોરી થઈ ગયા છે અને તે ખૂબ જ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. મહત્વનું છે કે ગત સુનાવણીમાં હોસ્પિટલ ના ફોટોગ્રાફ પણ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ બાબતોને જોતા હાઇકોર્ટે પણ આ બાબતની ગંભીર નોંધ લીધી હતી અને સરકારને જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
2012માં નિર્માણ થઇ હતી : સિદ્ધપુરમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ 2012 માં જ બની ગઈ હતી હજુ સુધી તે કાર્યરત થઈ નથી. આ સાથે જ સિદ્ધપુરની જનરલ હોસ્પિટલમાં સરકાર દ્વારા યોગ્ય સ્ટાફની પણ ભરતી કરવામાં આવી રહી નથી તેવી વાત પણ કરવામાં આવી છે.