અમદાવાદઃ હાઇકોર્ટમાં રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે, બનાસકાંઠાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ વિરુદ્ધ 20મી માર્ચ સુધી કોઈ પગલાં પોલીસ દ્વારા લેવામાં આવશે નહિ. નાથાભાઈ પટેલે હાઈકોર્ટમાં દાખલ રિટમાં રજુઆત કરી હતી. સતા પક્ષ ભાજપ કોંગ્રેસી ધારાસભ્ય પર દબાણ સર્જી સ્વાતંત્ર રીતે મતદાન કરવા દેશે નહિ.
બનાસકાંઠાથી કોંગ્રેસી ધારાસભ્ય નાથાભાઈ પટેલ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટ મુદે રજૂઆત કરવામાં આવી હતી કે, સતા પક્ષ શાસિત ભાજપ સરકાર હેરાનગતિ કરી કોંગ્રેસી ધારાસભ્યને રાજ્યસભાની ચુંટણી દરમ્યાન મતદાન સ્વતંત્ર રીતે કરવા દેશે નહિ. ગુજરાત હાઈકોર્ટમાં ગુરુવારે જ્યારે કેસ સુનાવણી દરમ્યાન જસ્ટીસ જે.બી. પારડીવાલાની અધ્યક્ષતાવાલી ડિવિઝન બેન્ચે કેસને નોટ બિફોર મી એટલે કે સાંભળવાનો ઈન્કાર કર્યો હતો. જોકે, આ કેસને હવે ફરીવાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથના આદેશ બાદ જસ્ટિસ એ.જી. ઉરાઈઝી સમક્ષ કેસને મુકવામાં આવ્યો હતો.
હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે ભાજપ સરકાર ધારાસભ્યનો પક્ષ વિરોઘી પ્રવૃતિઓ કરવા બદલ દબાણ સર્જી શકે છે. ભાજપ પાસે કેન્દ્ર અને રાજ્યમાં સતા હોવાથી તેના દૂરઉપયોગ કરી રાજ્યસભાની ચુંટણીને અસર કરી શકે છે. નોંધનીય છે કે, આગામી 26મી માર્ચના રોજ રાજ્યસભામાં ખાલી પડેલી 55 જેટલી બેઠકો પર ચુંટણી થવાની છે. જેમાં 4 બેઠકો ગુજરાતની સામેલ છે.