અમદાવાદ: પાકિસ્તાનથી ગુજરાતના રસ્તે હથિયારો અને ડ્રગ્સ ઘુસાડવાના કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIA એ 13 પાકિસ્તાની સામે ચાર્જશીટ દાખલ કરી છે. વર્ષ 2022માં ડિસેમ્બરમાં "અલ સાહેલી" નામની બોટમાંથી 13 માંથી 10 શખ્સો ગેસ સિલિન્ડરની આડમાં હથિયારો અને ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. ઓખા કોસ્ટ ગાર્ડ અને ATS ની ટીમે 40 કિલો હેરોઇન, વિદેશી બનાવટની 6 પીસ્ટલ, 120 કારતુસ સહિત પાકિસ્તાની આઈડી પ્રુફ, પાકિસ્તાની ચલણ અને મોબાઈલ સાથે ઝડપયા હતા.
કોર્ટમાં ચાર્જશીટ દાખલ: જે મામલે NIA દ્વારા અમદાવાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કુલ 13 પાકિસ્તાની વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં 10 પાકિસ્તાની આરોપીઓ પકડાયાં છે જ્યારે 3 આરોપીઓ ફરાર છે. હથિયાર અને સ્મગલિંગનાં કેસમાં ચાર્જશીટ કરાઈ છે. ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડવા માટે ગુજરાત મારફતે પાકિસ્તાનથી શસ્ત્રો અને પ્રતિબંધિત દવાઓની દાણચોરી કરતા હતા. આરોપીઓ પંજાબ અને ઉત્તર ભારતમાં આતંકવાદી સંગઠનોને ભંડોળ પૂરું પાડવા પાકિસ્તાનથી હથિયારો અને પ્રતિબંધિત માલસામાનની ગેરકાયદેસર દાણચોરીનું કાવતરું ઘડ્યું હતું.
શું હતો મામલો?: ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર-2022માં ઓખાના દરિયાઇ વિસ્તારમાંથી અલ-સોહેલી નામની માછીમારી બોટમાંથી 200 કરોડની કિંમતનું 40 કિલો ડ્રગ્સ ઉપરાંત 6 પિસ્તોલ મેગેઝીન સાથે દસ પાકિસ્તાનીઓને એટીએસ અને કોસ્ટગાર્ડે રંગેહાથ ઝડપી લીધા હતા. આ મામલે કાદરબખ્સ બલોચ, અમનુલ્લાહ બલોચ, ઈસ્માઈલ બલોચ, અલ્લાહબક્ષ બલોચ, ગોહર બક્ષ બ્લોચ, અમ્માલ બલોચ, ગુલબલોચ, અન્દમ અલી બલોચ, અબ્દુલ ગની બલોચ અને અબ્દુલ હકીમ બલોચ નામના શક્ષોની ઓળખ થઈ હતી. જ્યારે હાજી સલીમ અકબર અને કરીમ બક્ષ નામના આરોપીઓ વોન્ટેડ છે.