- 264 દિવસ બાદ વેરાવળ જૂનાગઢ અમદાવાદ વચ્ચે દૈનિક ટ્રેનનો થશે પ્રારંભ
- 21 મી જાન્યુઆરીના દિવસે વેરાવળ સોમનાથ ઇન્ટરસિટી પાટા પર દોડતી જોવા મળશે
- યાત્રિકોને આ ટ્રેન ખૂબ જ ઉપયોગી સાબિત થશે
જૂનાગઢ : કોરોના સંક્રમણને કારણે તમામ ટ્રેનો રદ કરવામાં આવી હતી. ત્યારે જબલપુર એક્સપ્રેસ બાદ સ્થાનિક ગુજરાતને જોડતી પહેલી ટ્રેન વેરાવળથી શરૂ થશે. આગામી 21 મી જાન્યુઆરીથી વેરાવળ અમદાવાદ વચ્ચે દૈનિક ટ્રેન પાટા પર દોડતી જોવા મળશે. ભાવનગર ડિવિઝન નીચે આવતી વેરાવળ સોમનાથ ઇન્ટરસિટી સુપરફાસ્ટ ટ્રેન વેરાવળથી રાત્રિના 9:50 કલાકે ઉપડીને વહેલી સવારે 5 વાગ્યેને 40 મિનિટે અમદાવાદ સ્ટેશન પર પહોંચશે. તેવી જ રીતે આ ટ્રેન અમદાવાદથી રાત્રિના દસ ને દસ કલાકે ઉપડી ને બીજે દિવસે સવારે 6:00 કલાકે વેરાવળ સ્ટેશન પર પહોંચશે. આ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, વીરપુર, ગોંડલ, જૂનાગઢ, માળીયા ,કેશોદ, ચોરવાડ રોડ સહિતના માર્ગમાં આવતાં રેલવે સ્ટેશન પર રોકાશે. જેનો ફાયદો વેરાવળથી લઈને અમદાવાદ સુધીના પ્રવાસીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
264 દિવસ બંધ રહ્યા બાદ વેરાવળ અમદાવાદ વચ્ચે દૈનિક ટ્રેન પાટા પર દોડતી જોવા મળશે
કોરોના સંક્રમણને કારણે 264 દિવસ સુધી વેરાવળ થી અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. થોડા સમય અગાઉ વેરાવળ જબલપુર એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. પરંતુ વેરાવળથી ગુજરાતના સ્ટેશનને જોડતી ટ્રેન હવે 264 દિવસ બાદ શરૂ થઈ રહી છે. તેને લઈને યાત્રિકોને અને ખાસ કરીને અમદાવાદ તબીબી સારવાર માટે જતાં દર્દીઓને પણ આ ટ્રેન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વેરાવળથી પોરબંદર અને વેરાવળ રાજકોટ વચ્ચે દૈનિક પેસેન્જર ટ્રેન પણ ચાલતી હતી. જે ટ્રેનો આજે પણ બંધ છે. પરંતુ જે પ્રકારે હવે ધીમે ધીમે રેલવે વ્યવહાર પૂર્વવત થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વેરાવળથી પોરબંદર, રાજકોટ અને દ્વારકાને જોડતી પેસેન્જર ટ્રેનો પણ શરૂ થઈ શકે છે. તેવા ઉજળા સંજોગોનુ નિર્માણ પણ થઈ રહ્યું છે.