- વધતા જતા વાહનો ટ્રાફિક પોલીસ માટે ચેલેન્જ
- ટ્રાફિક પોલીસને આધુનિક સાધનોથી સજ્જ કરવાનો પ્રયાસ
- પોલીસ સાથે હોમગાર્ડઝ, ટીઆરબી
- ચાર રસ્તે મુકેલા ટ્રાફિક બૂથ ઉપયોગ વગરના
અમદાવાદ : શહેરના જુદા જુદા વિસ્તારોના માર્ગો પર ટ્રાફિક પોલીસને ઉભા રહેવા માટે નવા બૂથ ઉભા કરવામાં આવી રહ્યા છે. સતત વધતા ટ્રાફિકના નિયમન માટે મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવેલા બૂથનો ક્યાંય ઉપયોગ થતો નથી. રોડ વચ્ચે મૂકેલા નવા અને જૂના બૂથ શોભાના ગાંઠિયા સમાન છે.
પૂર્વ, પશ્ચિમ, મધ્ય સાથે ચોતરફ વિકસતા શહેર માં ટ્રાફિક નિયંત્રણ અને નિયમન પોલીસ વિભાગ માટે ચેલેન્જ છે. ટ્રાફિક પોલીસની સાથે હોમગાર્ડઝ, ટીઆરબી જવાનો પણ માર્ગો પર ટ્રાફિક નિયમનની કામગીરીમાં સહભાગી છે. ટ્રાફિકના કાયદાનો કડક અમલ કરાવવા બેરિકેડ, સિગ્નલો, આધુનિક કેમેરા થી સજ્જ ગાડીઓ, બાઇક સવારોની સગવડો પણ અપાઇ છે. ટ્રાફિક પોલીસ માટે કપડાં, મોબાઈલ, ચશ્માં, રિયલ એસ્ટેટ જેવી અનેક કંપનીઓએ બૂથ, કેબિન પણ તૈયાર કરી આપ્યા છે. મેમનગર ટોપા સર્કલ, સીટી આકારની કેબિન પંચવટી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઘણાં વિસ્તારોમાં 'રેસ્ટ' કેબિનો પણ મોટા પ્રમાણમાં મુકવામાં આવી છે.
ઘણાં વિસ્તારોમાં ટ્રાફિક બૂથ ભંગાર હાલતમાં
કેટલાંક વિસ્તારોમાં બૂથ, ફૂટપાથો કે, ડિવાઇડરો પર ભંગાર હાલતમાં પડ્યા છે, તો ક્યાંક કડિયા નાકે ઉભા કરેલા બૂથ પર મજુરો બેસી જાય છે. થોડા મોટા અને ફૂટપાથ પર મુકેલા બૂથ પર લોકો એ પોતાના ઘર બનાવી દીધા છે. એટલે પ્રશ્ન એ થાય કે, મોંઘાદાટ ટ્રાફિક બૂથ જાહેરાતો ચોંટાડવા માટે જ છે કે, માર્ગોની શોભા વધારવા ? કારણ કે, મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિક નિયમન માટે મુકેલા કર્મચારીઓ એક ખૂણે જ જોવા મળે છે.