અમદાવાદ: ટ્રાફિકની બાબતે અમદાવાદ શહેર ધીમે ધીમે માયાનગરી મુંબઈ જેવો બનતો જાય છે, તેવામાં ટ્રાફિક સર્જાવાના મુખ્ય કારણો અને ટ્રાફિક હોય તે સ્થળ અંગે પહેલેથી જ વાહનચાલકોને જાણ હોય તો ચોક્કસથી કોઈ એક ચોક્કસ વિસ્તારમાં સર્જાતો ટ્રાફિક અટકાવી શકાય છે. અને તેવા જ ઉમદા હેતુથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા RoadEase નામની એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જે એપ્લિકેશન Google મેપ સાથે અપડેટ થશે અને Google મેપનો ઉપયોગ કરનારા તમામ વાહન ચાલકોને રિયલ ટાઇમ તમામ પ્રકારની માહિતીઓ મળી રહેશે. ટ્રાફિક પોલીસ દ્વારા જ Google મેપમાં માહિતી આપવામાં આવશે અને Google મેપ હવે જ્યાં ટ્રાફિક હશે ત્યાં ફોટા સાથે ટ્રાફિક બતાવીને ડાયવર્ઝન પણ આપશે.
ટ્રાફિકમાંથી મુક્તિ મળશે: આ એપ્લિકેશનની મદદથી વાહન ચાલકોને બિનજરૂરી ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. શહેરમાં કોઈ જગ્યાએ અકસ્માત થયો હોય, ખોદકામ કે રોડ રસ્તાનું સમારકામ ચાલુ હોય, વન વે કે ટુ વે રોડ કરેલો હોય, કોઈ પ્રસંગના કારણે ટ્રાફિક જામ હોય, રેલી, વરસાદ કે ખરાબ વાતાવરણ આ તમામના કારણે જે ટ્રાફિક જામ થતો હોય તે તમામની માહિતી આ એપ્લિકેશનના માધ્યમથી મળી રહેશે. આવા બનાવ બનશે ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ તે સ્થળ પર પહોંચશે અને તરત જ તે જગ્યાના ફોટા, લોકેશન અને વોઇસ મેસેજ RoadEase નામની એપ્લિકેશનમાં અપલોડ કરશે. આ એપ્લિકેશન દ્વારા Google મેપમાં લાઈવ અપડેટ આપવામાં આવશે, જેના કારણે Google મેપમાં વાહન ચાલકોને આ માહિતી મળી જશે અને તે વૈકલ્પીક માર્ગનો ઉપયોગ કરી ટ્રાફિકથી બચી શકશે.
આ પણ વાંચો Google Meet વપરાશકર્તાઓ હવે પ્રસ્તુત સામગ્રીની ઍક્સેસ શેર કરી શકશે
RoadEase એપ્લિકેશન: લેપ્ટોન નામની કંપનીના સહયોગથી અમદાવાદ ટ્રાફિક પોલીસે RoadEase એપ્લિકેશન બનાવી છે. લેપ્ટોન કંપનીને ગૂગલ મેપ સાથે ટાઈઅપ હોવાથી આ એપ્લિકેશન દ્વારા Google મેપને રિયલ ટાઈમ અને લાઈવ વિગત મોકલવામાં આવશે. Google મેપ આ વિગત સતત અપડેટ કરતું રહેશે, જેના કારણે વાહન ચાલકોને ફાયદો થશે.
આ પણ વાંચો Google Screenshot Tool : Google સ્ક્રીનશોટ એડિટિંગ ટૂલને આ કારણોસર કરી રહ્યું છે બંધ
કર્મચારીઓને ટ્રેનિંગ: આ એપ્લિકેશન માટે અત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ સ્ટેશનના 2-2 કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. આ કર્મચારીઓ તેમની સાથેના અન્ય કર્મચારીઓને ટ્રેનિંગ આપશે. દરેક ટ્રાફિક પોલીસ જવાનના મોબાઈલમાં આ એપ્લિકેશન ફરજીયાત ડાઉનલોડ કરાવી લોગ ઇન કરવવામાં આવશે. પોતાના પોલીસ સ્ટેશન હદના વિસ્તારમાં જે પણ કામ ચાલતું હોય અથવા કોઈ બનાવ બન્યો હોય કે જેના કારણે ટ્રાફિક થઈ શકે તેમ હોય તો પોલીસકર્મીએ આ અંગે અપડેટ આપતા રહેવું પડશે.
'દેશના અલગ અલગ 8 શહેરમાં આ સિસ્ટમ ચાલી રહી ત્યારે ગુજરાતમાં આ પ્રથમ વખત ચાલુ થશે. અમદાવાદ શહેરમાં પ્રથમ વખત આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક પોલીસના જવાન આ એપ્લિકેશન મારફતે 10 થી 15 મિનિટમાં પોતાના વિસ્તારની માહિતી ગૂગલ મેપ સુધી પહોંચાડશે. જેનો સીધો ફાયદો ટ્રાફિક ઘટાડવામાં થશે.' -સફિન હસન, DCP, ટ્રાફિક પૂર્વ, અમદાવાદ