નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થતા પરીક્ષાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. મેડિકલ માટે લેવામાં આવતી પરીક્ષાનું ગુજરાતના વિદ્યાર્થીઓનું પરિણામ ધાર્યા કરતાં નબળું આવ્યું છે. સમગ્ર ગુજરાતનું 46.35 ટકા પરિણામ જાહેર થયું છે.
સમગ્ર દેશમાં એલન જયપુરના વિદ્યાર્થી નલિન ખંડેલવાલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. જ્યારે અમદાવાદ એલનની વિદ્યાર્થીની હાર્ષવી નયન જોબનપુત્રએ ઓલ ઇન્ડિયા રેન્કમાં 18મો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા હાર્ષવીએ જણાવ્યું હતું કે, સમગ્ર વર્ષ દરમિયાન તેમણે સખત મહેનત કરી હતી. ક્લાસિસ અને સ્કૂલમાં સંપૂર્ણ ધ્યાન આપીને અભ્યાસ કર્યો હતો. હાર્ષવીએ ભવિષ્યમાં ડૉક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
એલન કરીયર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના એકેડમીના હેડ પંકજ બાલડીએ જણાવ્યું હતું કે, અમે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડીએ છીએ. જે માતા-પિતા અને શાળાના શિક્ષકો પૂરું પાડી શકતા નથી. અમારું ફોકસ હંમેશા વિદ્યાર્થીઓના પરિણામ પર જ હોય છે. જેને કારણે વિદ્યાર્થીઓ એલનને વધુ વિશ્વાસ કરે છે. અમને અમારા વિદ્યાર્થીઓ પ્રત્યે ગર્વ છે.
એલન કરીયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કિગમાં ક્રમાંક પ્રાપ્ત કરતા એલન ઇન્સ્ટિટ્યૂટના હેડ, શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓએ નીટના પરિણામને વધાવ્યું હતું અને કેક આપીને સેલિબ્રેટ કર્યું હતું.