અમદાવાદ: નારોલ વિસ્તારમાં આવેલી નંદન ડેનીમ નામની કંપનીમાં આગની ઘટના બની છે. જો કે, આ આગ કયાં કારણે લાગી તે હજી સુધી અકબંધ છે. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની 14 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં ફાયરનો એક જવાન ઘાયલ થયો હતો.
નંદન ડેનીમ ચીરીપાલ ગ્રૂપની કંપની છે. આ પહેલા પણ આ કંપનીમાં આગ લાગી હતી. જેમાં સાત જેટલા લોકોના મોત થયા હતા, ત્યારે ફરીવાર નંદન ડેનીમમાં આગની ઘટના બની છે. જેના કારણે અનેક સવાલો તંત્ર પર પણ ઉપસ્થિત થઈ રહ્યાં છે.
- વારંવાર આગ લાગતી હોવા છતાં તંત્ર દ્વારા કેમ કડક પગલાં નથી ભરાતા?
- કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કેમ નથી કરાતી?
- કંપનીમાં વારંવાર આગ લાગવાનું કારણ શું?
- આ પહેલા આગમાં સાત લોકોના મોત થયા બાદ પણ કેમ બોધપાઠ નથી લેવાતો?
- શું આગ લાગે તેની રાહ જોવાઇ રહી છે?
ઉલ્લેખનીય છે કે, ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો યથાવત છે. CFO દસ્તુર, ડેપ્યુટી સીએફઓ મિસ્ત્રી તેમજ ખાડિયા, જમાલપુર અને અસલાલી ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ બુઝાવતી વખતે એક ફાયરમેન ઇજાગ્રસ્ત થતા તેને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો. અમદાવાદના નારોલમાં પીરાણા રોડ પર આવેલી નંદન ડેનિમ કંપનીમાં લાગેલી આગ પર ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આ આગમાં સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. આ આગ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે લાગ્યાનું સામે આવ્યું છે.
આ પહેલા અમદાવાદના નારોલમાં આવેલી નંદમ ડેનિમ કાપડની ફેક્ટરીમાં આગ લાગતા 7 લોકોના મોત થયા હતા. આ મામલે પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા જ્યોતિ ચીરીપલ, દીપક ચીરીપલ, બી.સી.પટેલ, એચ.એમ.પટેલ, રવિકાન્ત સિંહા, પી.કે.શર્મા, ડી.સી. પટેલ સામે ફરિયાદ દાખલ કરી હતી, ત્યારે હવે જોવાનું રહ્યું કે, તંત્ર ફરી એક વખત કાર્યવાહી કરે છે કે, માત્ર ભીનું સંકેલી રહી છે. અથવા વધુ લોકોના મોત થાય ત્યારબાદ કાર્યવાહી કરવી તેની રાહ જોઈ રહી છે.