અમદાવાદ: નારોલના પીપળજ પીરાણા રોડ પર આવેલા ચીરીપાલ ગૃપની નંદન ડેનિમ નામની કાપડની ફેકટરીમાં શનિવારે સાંજે ભીષણ આગ લાગી હતી. બેદરકાર ફેકટરી માલીકે આ યુનિટમાં કોઇ કર્મચારી ન હોવાનુ જણાવ્યું હતુ, પરંતું આ યુનિટમાં સાત કર્મચારીઓ આગમાં ભળથું થઈ ગયા હતા. મનપાએ નંદન ડેનિમ કંપનીનું અખાદ્ય લાઇસન્સ અચોકક્સ મુદ્દત માટે સસ્પેન્ડ કર્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કંપની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેપાર કરવા માટે ધારાધોરણો મુજબ કામ કરવાની શરતે SWM(સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) વિભાગ અખાદ્યનું લાઇસન્સ આપે છે. 8 ફેબ્રુઆરીના રોજની ઘટના બની, તેમાં કાયદાનું પાલન ન થયું હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે 3 દિવસમાં ખુલાસો આપવા મનપાએ કંપનીને જણાવ્યુ હતું.
પીપળજ પીરાણા રોડ પર આવેલી ચીરીપાલ ગૃપની નંદન ડેનીમ કંપનીના શર્ટીંગ વિભાગના ભોયતળીયા અને પહેલા માળે આશરે 200 જેટલા કારીગરો કામ કરતા હતા. શનિવારે સાંજે સાડા પાંચ પહેલા પોડક્શન વિભાગની છતમાં આગ લાગી હતી. આગ જોઈને કારીગરો બહાર દોડી ગયા હતા, પરંતું પ્રથમ માળે સીડી પાસે જ આગ વધુ પ્રસરી જતા કારીગરો બહાર નિકળી શક્યા ન હતા. કંપનીના જનરલ મેનેજર જયેન્દ્ર રાજપુતે કંપનીના ફાયર વિભાગને જાણ કરતા તેમણે આગને કાબુમાં મેળવવા કવાયત હાથ ધરી હતી.