અમિત ચાવડા બાદ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી પણ દિલ્હી જવા રવાના થયા છે. આવતીકાલે સ્ક્રીનિંગ કમિટીની બેઠકયોજાશે, જેમાં ગુજરાતના બાકી ઉમેદવારોની ચર્ચા કરાશે. સ્ક્રીનિંગ કમિટીની બેઠક અંગે અમિત ચાવડાએ જણાવ્યું કે, બાકીના ઉમેદવારો આવતી કાલે જાહેર થઇ શકે છે. સ્ક્રીનિંગ કમિટીમાં સર્વ સંમતિથી નામો મંજુર કરવામાં આવશે. સ્ક્રીનિંગ કમિટી બાદ CECની બેઠક મળશે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જિલ્લા અને શહેર પ્રમુખ સાથે બેઠક કરી હતી. જેમાં ચૂંટણીમાં પાર્ટીએ કેવીરીતે કામગીરી કરવી તે અંગે ચર્ચા કરી આચારસંહિતા મુદ્દે કોંગ્રેસ લીગલ સેલ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉમેદવારોના ફોર્મ ભરવાથી લઇને ચૂંટણીલક્ષી તૈયારી મુદ્દે બેઠક યોજાઇ હતી અને બુથ મેનેજમેન્ટ અંગે પણ કાર્યક્રમ યોજાશે.
રાહુલ ગાંધીએ કરેલી જાહેરાત અંગે અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસે હંમેશા દેશના સામાન્ય ગરીબ અને છેવાડાના માણસોની ચિંતા કરી યોજનાઓ બનાવી. રાહુલજીનું નેતૃત્વ ખાલી વાયદાઓ નહીં, પરંતુ વચન આપે તે કરી બતાવે તેવું નેતૃત્વ છે. ખેડૂતોના દેવા માફીની જેમ ગરીબોને લઘુતમ આવકનો અધિકાર મળે તે માટે મિનિમમ ઇનકમ ગેરેન્ટી આપવાનું વચન દેશની જનતાને કોંગ્રેસ પક્ષે આપ્યું છે. આવનારી કોંગ્રેસની સરકાર દેશના ગરીબ લોકો અને ખેડૂતો માટે યુવાનો અને દેશની આર્થિક પ્રગતિ માટે કામ કરશે.