અમદાવાદઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. હવે ભારતમાં પણ તેના પોઝિટીવ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે રાજ્યસરકાર આ રોગને નાથવા માટે વિવિધ આરોગ્યલક્ષી પગલાં લઈ રહ્યું છે.
અમદાવાદમાં મનપા કમિશ્નરે આ જીવલેણ વાયરસને ગુજરાતમાં આવતો અટકાવવા માટે એક અનોખી પહેલી કરી છે. તેઓ સૌને હાથ મિલાવીને હાય કહેવાને બદલે હાથ જોડીને નમસ્તે કહેવાનું જણાવી રહ્યાં છે. હાલ, આ સંદેશ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ નુસ્ખાની અસર ગુજરાત માટે કેટલો ફાયદાકારક સાબિત થશે તે જાણવું રસપ્રદ રહેશે.
અમદાવાદ મનપા કમિશનર વિજય નહેરાએ પોતાના ટ્વીટર પર જણાવ્યું છે કે, "કોરોના વાયરસના સંક્રમણના ટાળવા માટે હાથ મિલાવવા બદલે બે હાથ જોડીને નમસ્તે કરો. આ સંદેશના ફેલાવવા માટે તેઓ લોકોને જણાવી રહ્યાં છે."
મ્યુનિ. હેલ્થ વિભાગના ઇન્ચાર્જ વડા ડૉ. ભાવિન સોલંકી આ અંગે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દી માટે સિવિલમાં ખાસ આઇસોલેશન વોર્ડ ઊભો કરાયો છે. તેમાં 20થી વધુ દર્દીને સારવાર આપી શકાશે. હજુ સુધી કોરોના વાયરસનો એક પણ શંકાસ્પદ કેસ સામે આવ્યો નથી.
મળતી માહિતી પ્રમાણે, મ્યુનિ. હૉસ્પિટલો પૈકી સરદાર વલ્લભભાઇ પટેલ હૉસ્પિટલમાં 10 પથારી, LG હૉસ્પિટલમાં 10 અને શારદાબહેન હોસ્પિટલમાં 10 પથારીની વ્યવસ્થા કરાઇ છે. એરપોર્ટ પર પેસેન્જરની તપાસ માટે રાઉન્ડ ધ કલોક ડૉક્ટરની ટીમ તૈનાત કરાઈ છે. નોંધનીય છે કે, હજુ સુધી કોરોના વાયરસનો હજુ સુધી એક પણ શંકાસ્પદ કેસ નોંધાયો નથી.