એક તરફ ગુજરાત સરકાર પાણી માટે સબ સલામત હોવાનો દાવો કરી રહી છે, પણ ગ્રાઉન્ડ પર કંઈક અલગ જ તસવીર જોવા મળી રહી છે. નળસરોવર સુકાતાં પ્રવાસીઓ માટે જાહેરનામું તૈયાર કરાયું છે, ત્યારે અત્યારે કોઈ પ્રવાસી પણ અહીંયા આવે તો તેને નળસરોવરનો કુદરતી નજારો જોવા નહીં મળે. અત્યારે નળ સરોવર બંજર હાલતમાં છે, એક સમયે આ તળાવમાં પાણી ઉપર બેસેલા દેશ-વિદેશના પક્ષીઓનો કલરવ અને કુદરતી સૌંદર્ય જોવા મળતું હતું.
વર્ષ 2002 બાદ નળસરોવર સુકાયું છે, ત્યારે 300 લાયસન્સ ધારક નાવડીઓ ચલાવતાં અને પોતાની રોજીરોટી મેળવતાં લોકોનો રોજગાર ઠપ થઈ ગયો છે. તમને જણાવી દઇએ કે, ચોમાસામાં નળસરોવરમાં સરેરાશ 7થી 8 ફૂટ પાણી હોય છે, પરંતુ આ વખતે ઓછાં વરસાદનાં કારણે ચોમાસામાં પણ નળસરોવરનાં માત્ર 2થી 3 ફૂટ પાણી હતું. જે અત્યારે બિલકુલ રહ્યું નથી. નળ સરોવર એ ગુજરાત રાજ્યનાં અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી-૪ હેઠળ અને વનવિભાગનાં અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષિત એક વિશાળ સરોવર છે.
આ સરોવરની મહત્તમ ઉંડાઇ 2.7 મીટર છે, પરંતુ 60 ટકા કરતા વધારે વિસ્તારમાં પાણીની ઉંડાઇ એકથી સવા મીટર જેટલી છે, પરંતુ જળાશય 12,000 હેકટર જેટલી વિશાળતા ધરાવે છે. અહીં પાણીની ઓછી ઉંડાઇને કારણે પાણીની સપાટીની નીચે વિવિધ વનસ્પતિ જોવાં મળે છે, ત્યારે ખોરાકની માત્રા અહીં વિપુલ પ્રમાણમાં હોવાથી પક્ષીઓ અહીં ખુબ મોટી સંખ્યામાં આવે છે, પણ આ વર્ષે નળસરોવર સુકાઈ ગયું છે, જેથી નળસરોવરની કુદરતી સુંદરતા જતી રહી છે. હવે આગામી ચોમાસું કેવું જશે તેના પર બધો આધાર છે.