અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ છેલ્લા એક સપ્તાહમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં પાણીના ભરાવાના કારણે પાણીજન્ય રોગો ફેલાતા હોય છે. ખાનગી તેમજ સરકારી એકમોમાં પાણીમાં ભરાવો ન થાય તેનું ધ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ રાખી રહ્યું છે. ત્યારે અમદાવાદના 4 ખાનગી એકમોમાં પાણીનો ભરાવો જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી સીલ કરવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેરમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય તેનું કોર્પોરેશન ધ્યાન રાખી રહ્યું છે. જે અંતર્ગત વિવિધ એકમો તેમજ પ્રાઇવેટ એકમોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મુખ્યત્વે લિફ્ટ, બેઝમેન્ટ અને અગાસી પર પાણીનો ભરાવો થતો હોય છે. ત્યારે આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન શહેરમાં કુલ ચાર જગ્યા ઉપર પાણી ભરાવો થયો હોય તેવા એકમો સીલ કરવામાં આવ્યા છે. જેમાં શિલ્પ ગેલેક્સી કોમ્પ્લેક્સ-ચાંદખેડા, શાલીન સ્વસ્તિક કન્સ્ટ્રક્શન-નવરંગપુરા, ઝવેરી ગ્રીન અને શિલ્પ રેસીડેન્સી સીલ મારવામાં આવ્યા છે.-- ડો.ભાવિન સોલંકી (આરોગ્ય અધિકારી,AMC)
પાણીજન્ય રોગમાં વધારો : AMC આરોગ્ય અધિકારી ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ શરૂઆત થતા જ પાણીજન્ય કેસોમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો હતો. જૂન માસમાં પાણીજન્ય રોગના કુલ 1188 કેસ સામે આવ્યા હતા. જેમાં ઝાડા-ઉલટીના 755, કમળાના 132, ટાઇફોઇડના 297 અને કોલેરાના ચાર કેસ સામે આવ્યા છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15647 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 484 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. આ ઉપરાંત બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 4082 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 125 જેટલા પાણીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
મચ્છરજન્ય રોગમાં ઘટાડો : અમદાવાદ શહેરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મચ્છરજન્ય રોગના કેસમાં 40 જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે જૂન માસમાં મચ્છરજન્ય રોગના 117 કેસ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે માત્ર 84 કેસ જ નોંધાયા છે. જેમાં સાદા મેલેરિયાના 56 કેસ, ઝેરી મેલરીયાનો 1 કેસ, ડેન્ગ્યુના 25 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે. જ્યારે લોહીના તપાસ માટે 65,310 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે ડેન્ગ્યુના સીરમના 2359 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.