અમદાવાદ: લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોએ લાંચિયા સરકારી બાબુઓ સામે લાલ આંખ કરી છે. ત્યારે વર્ષ 2022માં ક્લાસ 1થી લઈ 4 સુધીના કેટલા અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હતા. તે અંગેની માહિતી જોઈએ આ અહેવાલમાં.
આ પણ વાંચો Navsari Crime: રુપિયા 7000ની લાંચ લેતા પંચાયતનો પટ્ટાવાળો ઝડપાયો
વર્ષ 2022માં લાંચના કેસ વધ્યા ACBએ વર્ષ 2021માં 173 કેસ કરવામાં આવ્યા હતા. તેની સામે વર્ષ 2022માં આ કેસની સંખ્યા 176એ પહોંચી હતી. વર્ષ 2022માં લાંચના કેસમાં ઝડપાયેલા અધિકારી કર્મચારીઓની વાત કરીએ તો, કલાસ 1ના 9 અધિકારી, કલાસ 2ના 30 અધિકારી, કલાસ 3ના 114 કર્મયારી અને કલાસ 4ના 5 કર્મચારીઓ સહિત 94 પ્રજાજનો સામે કેસ કરવામાં આવ્યા છે. આમાં કુલ 252 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અપ્રમાણસર મિલકતના 5 ગુનાઃ વર્ષ 2022માં ACBએ કરેલી મોટી કાર્યવાહીમાં 5 ગુના અપ્રમાણસર મિલકત અંગેના દાખલ કરવામાં આવ્યા હતા, જેની રકમ 4,52,34,619 રૂપિયા છે.
સરકારના વિભાગ પ્રમાણે લાંચીયા બાબૂઓઃ વર્ષ 2022માં ACBએ કરેલા કેસમાં વિભાગ વાઈઝ વાત કરીએ તો, સૌથી વધુ કેસ ગૃહ વિભાગના અધિકારી કર્મચારી સામે નોંધાયા છે.
ગૃહ વિભાગના અધિકારીઓ સૌથી વધુ લાલચુઃ ગૃહ વિભાગમાં ACBએ 39 ટ્રેપ કરવામાં આવી છે. તેમ જ ડિકોય 5 એમ કુલ 44 ગુના દાખલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં 30 ટ્રેપ, 2 ડિકોય મળીને 32 ગુના દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત મહેસૂલ વિભાગમાં 22 ટ્રેપ કરીને તેમ જ 1 ડિકોય કરીને 25 ગુના દાખલ કરાયા છે. તેમ જ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગમાં 11 ટ્રેપ અને એક ડિકોય તેમ જ એક ડીએ કરીને કુલ 13 દાખલ કરાયા છે.
ACBને 2022માં 14000થી વધુ કોલ મળ્યાઃ કેન્દ્ર સરકારના અધિકારી તેમ જ કર્મચારી મામલે ACBએ 10 ટ્રેપ તેમ જ એક ડિકોય કરીને કુલ 11 ગુના દાખલ કર્યા છે. તો વર્ષ 2022માં ACBના ટોલ ફ્રી નંબર 1064 પર 14,757 કોલ મળ્યા હતા, આમાંથી 132 રજૂઆતો મળી હતી અને 26 કેસ કરવામાં આવ્યા હતા.
ACBએ કરી અપીલ આ અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોના DySP કે. બી. ચુડાસમાએ જણાવ્યું હતું કે, ACB દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને ખાનગી વ્યક્તિઓ સામે કેસ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. પ્રજાજનોને પણ અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ પણ સરકારી કર્મચારી કે અધિકારી તમારી પાસે લાંચ માગે તો ACBની હેલ્પલાઇન નંબર 1064 પર ફોન કરી ફરિયાદ કરી શકો છો. ACB દ્વારા તેના પગલે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.