અમદાવાદ: રાજ્ય સરકારે લોકોને આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે ધન્વંતરી રથની યોજના અમલમાં મૂકી હતી. જેમાં અમદાવાદમાં ધન્વંતરી રથમાં પેશન્ટની OPD સમયે ડાયાબિટિસ, બ્લડપ્રેશર અને ગ્લુકોમીટર જેવા સાધનની મદદથી ઓક્સિજન લેવલની પણ ચકાસણી કરવામાં આવે છે. 15 મેથી શરૂ થયેલા આ અભિયાનમાં 4 સપ્ટેમ્બર સુધીમાં 10,00,197 લોકોની સારવાર કરવામાં આવી છે. AMCએ દાવો કર્યો છે કે, મે મહિનામાં કોરોનાના કારણે લોકોમાં જોવા મળતા તાવ તેમજ કફના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. કફ-કોરીઝાના સરેરાશ 5.66 ટકા કેસ તથા તાવના સરેરાશ 2.67 ટકા કેસો જોવા મળ્યાં છે.
શહેરના 14 કન્ટેનમેન્ટ ઝોનમાં 160 લોકેશન ઉપર ધન્વંતરી રથ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. દરેક રથ એક દિવસમાં દરેક લોકેશનમાં બે કલાક એમ ચાર લોકેશન પર ફરજ બજાવે છે. ધન્વંતરી રથની સંખ્યા તબક્કાવાર રીતે વધારવામાં આવી હતી. મે મહિનામાં પ્રથમ તબક્કે દોઢ લાખથી વધારે લોકોની સારવાર કરી હતી. 17 મેના રોજ કફ અને કોરીઝાના 32.21 ટકા કેસો, તાવના 9.67 ટકા કેસો જણાયા હતા.
ધન્વંતરી રથની ઘનિષ્ઠ સારવારના પરિણામે મે મહિનાના અંત સુધીમાં સરેરાશ 20.67 ટકા કફ અને કોરીઝાના કેસો તથા તાવના 6.32 ટકા જણાયા હતા. જૂન મહિનામાં કફ અને કોરીઝાના કેસો સરેરાશ 16.25 ટકા અને તાવના સરેરાશ 4.25 ટકા કેસો નોંધાયા હતા. જ્યારે જુલાઇ મહિનામાં કફ અને કોરીઝાના સરેરાશ કેસ 11.92 ટકા તથા તાવના સરેરાશ 2.92 ટકા કેસો નોંધાયા હતા. ઓગસ્ટ મહિનામાં કફ અને કોરીઝાના કેસોનું સરેરાશ પ્રમાણ 6.92 ટકા જેટલું થયું હતું. અને તાવના કેસોનું સરેરાશ પ્રમાણ 2.08 ટકા થઇ ગયું હતું.