અમદાવાદ: ચોમાસામાં ભારે વરસાદના કારણે રાજ્યની નદીઓમાં પાણીની નવી આવકમાં વધારો થયો છે. જેમાં રાજ્યની મુખ્ય 207 જળ યોજનાઓમાં 74.24 ટકા જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર યોજનામાં 77.47 ટકા જળસંગ્રહ અત્યાર સુધીમાં થયો છે. રાજ્યમાં ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 136.06 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે ટોટલ રાજ્યના 95 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક થઈ છે.
સૌરાષ્ટ્રમાં 109.72 ટકા વરસાદ: રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત અહેવાલ અનુસાર રાજ્યમાં પડેલા વરસાદના પરિણામે ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. જેમાં સિઝનનો સૌથી વધુ સરેરાશ વરસાદ કચ્છ ઝોનમાં 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા નોંધાયો છે. રાજ્યની મહત્વની 207 જળ યોજનાઓમાં 74.24 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જેમાં 2,58,797 M.C.FT.કુલ પાણી સંગ્રહ ક્ષમતા 77.47 ટકા સંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73.25 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.48 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.06 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 65.68 ટકા અને 83 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના.
95 જળાશયો હાઈ એલર્ટ પર: ભારે પડેલા વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 100 ટકાથી વધુ પાણીનો સંગ્રહ ધરાવતા 64 જળાશયો અને 90 થી 100 ટકા પાણીનો સંગ્રહ ધરાવતા 31 જળાશયો મળીને કુલ 95 જળાશયો હાઈ એલર્ટ પર છે. જ્યારે 80 ટકાથી 90 ટકા પાણીનો સંગ્રહ ધરાવતા 25 જળાશયો એલર્ટ પર છે. 70 ટકા થી 80 ટકા પાણીનો સંગ્રહ ધરાવતા 14 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.