અમદાવાદઃ ઉનાળું વેકેશન પૂર્ણ થઈ જતા શાળામાં નવા સત્રની શરૂઆત થઈ ચૂકી છે. પરિણામ બાદ નવા વર્ગો શરૂ થયા છે. પ્રથમ વખત રાજ્યની સ્કૂલમાં પહેલા ધોરણમાં છ વર્ષના બાળકોને પ્રવેશ આપવામાં આવશે. પાંચથી છ વર્ષના બાળકોને બાલ વાટિકામાં પ્રવેશ દેવાશે. આશરે 43000 જેટલી પ્રાથમિક શાળાઓ તથા 54000થી વધારે શાળાઓમાં 35 દિવસનું વેકેશન પૂરૂ થઈ ગયું છે. તારીખ 4 જૂનના રોજ ઉનાળું વેકેશનનો છેલ્લો દિવસ રહ્યો હતો.
આઠ દિવસ વહેલું સત્રઃ ગત વર્ષે 2022માં તારીખ 13 જૂનના રોજ નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું હતું. આ વખતે 5 જૂનથી નવું સત્ર શરૂ થયું છે. ગત વર્ષની તુલનામાં આ વખતે આઠ દિવસ વહેલી શાળાઓ શરૂ થઈ ચૂકી છે. જ્યારે હવે પછીનું વેકેશન તારખી 9 નવેમ્બરે પડશે. જે દિવાળી વેકેશન હશે. તારીખ 9 નવેમ્બરથી શરૂ થતું દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. એટલે કે, તારીખ 30 નવેમ્બરથી શૈક્ષણિત સત્રના બીજા સત્રનો પ્રારંભ થશે. એ પછી પરીક્ષાઓ શરૂ થશે. પ્રથમ સત્રમાં શૈક્ષણિક કાર્ય માટે કુલ 125 દિવસ ફાળવવામાં આવ્યા છે.
બીજું સત્રઃ બીજું સત્ર તારીખ 30 નવેમ્બરથી તારીખ 5 મે સુધીનું રહેશે. બીજા સત્રમાં પણ શૈક્ષણિક કાર્ય માટે કુલ 125 દિવસની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતના શાળાકીય માળખામાં પણ કેટલાક મોટા ફેરાફાર કરાયા છે. નવી એજ્યુકેશન પોલીસીને ધ્યાને લઈને ધો.1માં બાળકોના પ્રવેશ માટે વયમર્યાદામાં વધારો કરીને 5ના બદલે 6 કરી દેવામાં આવી છે. છ વર્ષથી ઓછી વયના અને પાંચ વર્ષથી વધારે વયના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ દેવામાં આવશે. રાજ્યની શાળાઓમાં આ વર્ષથી સત્તાવાર બાલવાટિકા વિભાગની શરૂઆત થઈ રહી છે.