અમદાવાદ ડેસ્ક: પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ભારતના અનેક રાજ્યો અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે. અચાનક આવેલા વરસાદને કારણે અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. એ વિસતારની નદીઓ પુરના કારણે ગાંડીતુર બની છે. ઉત્તર પ્રદેશ,હિમાચલ પ્રદેશ, પંજાબ સહિતના અનેક રાજ્યોમાં પ્રાપ્ત અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં 68 લોકોના મૃત્યુ થયા છે અને હજારો લોકોને જાનમાલની ભારે નુકસાની પણ થઈ છે. ત્યારે મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને રુપિયા 25 લાખની સહાય આપવામાં આવી છે.
પરિવારજનોને દિલસોજી પાઠવી: મોરારીબાપુની રામકથા અત્યારે અમેરિકાના બોસ્ટન ખાતે ચાલી રહી છે. ભારતથી પ્રાપ્ત થયેલા અતિવૃષ્ટિનાં અહેવાલો વ્યથિત કરે તેવા છે. અસરગ્રસ્ત વિસ્તારોના વિવિધ શહેરોમાં અને દુર - સુદુરના પ્રદેશોમાં પાણીનાં ધસમસતા પ્રવાહમાં મકાનો અને માલ-સામાનને જે પ્રમાણે નુકસાન થયું છે તે દુઃખદ છે. પૂજ્ય બાપુએ બોસ્ટનની કથાની પ્રસાદી રૂપે ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં સંવેદનારુપે રુપિયા 25 લાખની સહાય અર્પણ કરી છે.
વ્યાસપીઠ તરફથી અર્પણ: ઉત્તર ભારતના અસરગ્રસ્ત રાજયોમાં રહેતા રામકથાના શ્રોતાઓ દ્વારા સરકારી એજન્સીઓને સાથે રાખી તેમની પાસેથી સંપૂર્ણ વિગત પ્રાપ્ત કરી પ્રત્યેક મૃતકના પરિવારજનો વચ્ચે આ 25 લાખ રૂપિયાની રકમ બોસ્ટનની વ્યાસપીઠ તરફથી અર્પણ કરવામાં આવશે. ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા તુલસીદલ સ્વરૂપે એક લાખ રૂપિયા આ કુલ રાશિમાં અર્પણ કરવામાં આવ્યા છે.આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પુજય બાપુએ પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.
ઉત્તરાખંડમાં 15 જુલાઈ સુધી રેડ એલર્ટ: ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. પહાડોથી લઈને મેદાનો સુધી દરેક જગ્યાએથી નુકસાનના અહેવાલો છે. પહાડો પર ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે. મેદાની વિસ્તારોમાં પાણીનું સ્તર વધવાને કારણે નદીઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મેદાની વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે. ખાસ વાત એ છે કે હવામાન વિભાગે 15 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદના કારણે ગંગા અને તેની સહાયક નદીઓ સહિત તમામ મોટી નદીઓમાં જળસ્તર વધ્યું છે.