ભાવનગર : આજે જગતના નાથ ભગવાન જગન્નાથ આજે બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નિકળ્યાં છે. ત્યારે આ શુભ પ્રસંગે રામ કથાકાર મોરારી બાપૂએ સર્વે ભક્તોને રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત દરેક વ્યક્તિના કલ્યાણની ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી હતી.
વર્ષોથી જગન્નાથ પુરીમાં રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. તેની સાથે-સાથે અમદાવાદ, ભાવનગર સહિતના ઘણાં શહેરોમાં ભવ્ય રથયાત્રા યોજાય છે. આ યાત્રામાં લાખો ભક્તો જગતના નાથના દર્શનનો લ્હાવો પ્રાપ્ત કરે છે. આપણે ભગવાન જગન્નાથના રથની પાછળ ચાલવાનું છે, જેથી ક્યારેય ગુમરાહ ન થઇએ. પ્રભુની શરણમાં જવાનો આ એક જ માર્ગ છે.-- મોરારી બાપૂ (રામ કથાકાર)
શ્રધ્ધાનો કોઈ વિકલ્પ નથી : એક ભક્તની વાત કરતા મોરારી બાપૂ કહ્યુ હતુ કે, જ્યારે ભક્ત ભગવાનના દર્શન કરવા પહોચ્યો ત્યારે સમય થઈ જતા મંદિર બંધ કરી દેવામાં આવ્યુ. મંદિરમાંં પ્રવેશ ન મળતા યાત્રી ત્યાજ બેસી રહ્ચો હતો. યાત્રીએ ભગવાનને સંબોધતા કહ્યુ કે, જો તું જગનો નાથ છું તો મને દર્શન આપ. ભક્તની શ્રધ્ધા જોઈને ભગવાન જગન્નાથે જ્યા યાત્રી બેઠો હતો આવીને દર્શન આપ્યા હતા.
દિલીપદાસજીએ આપ્યુ આમંત્રણ : તેઓએ ઉમેર્યું હતું કે, આ શુભ પ્રસંગે મેં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને ફોન કરીને પ્રણામ કરીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે મને રથયાત્રામાં સામેલ થવા સાદર આમંત્રણ આપ્યું હતું. પરંતુ રામકથાને કારણે હું આ વર્ષે યાત્રામાં સામેલ થઇ શક્યો નથી. અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીના આમંત્રણનો સ્વીકાર કરતાં આગામી રથયાત્રામાં સામેલ થવાનો મોરારી બાપૂએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
146મી રથયાત્રા : ઉલ્લેખનિય છે કે, આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા અમદાવાદમાં નિકળી હતી. ભગવાન જગન્નાથ હાથી, ઘોડા, ધ્વજ, અખાડા, ભજન મંડળી, બેન્ડવાજા, સખી મંડળ સહિત નગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રામાં 101 ટ્રક, 18 ભજન મંડળી, બેન્ડ વાજા, 18 ગજરાજ, 30 અખાડા જોડાયા હતા.
ભગવાનનો મનપસંદ પ્રસાદ : રથયાત્રા જ્યારે ફરે છે ત્યારે વિશેષ મગ, જાંબુ કેરીનો પ્રસાદ આપવામાં આવે છે. જેના માટે 30 હજાર કિલો મગની પ્રસાદી બનાવામાં આવી હતી. જેમાં 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, કાકડી , દાડમ સહિતનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.