અમદાવાદ: ચોમાસાએ કેરળમાં એન્ટ્રી લઈ લીધી છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે કેરળમાં ચોમાસું પહેલી જૂનની સામાન્ય તારીખ કરતાં 7 દિવસે મોડું શરૂ થયું છે. હવે તે આગામી ત્રણ ચાર દિવસ પછી કર્ણાટક અને તામિલનાડુમાં પહોંચવાની સંભાવના છે. તેના એક સપ્તાહ પછી ચોમાસુ મહારાષ્ટ્ર અને ગોવામાં આવશે.
સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ સર્જાયુઃ ગુજરાતની વાત કરીએ તો હાલ અરબી સમુદ્ર પર બિપરજોય વાવાઝોડાનો ખતરો સર્જાયો છે. આ ડીપ ડીપ્રેશન અતિ ગંભીર વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે, અને તે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. જો કે હજી એકદમ સ્પષ્ટ નથી કે તે કયા હિટ થશે. પણ દિશા જોતા તે ઓમાન અને પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. કદાચ આ વાવાઝોડુ સમુદ્રમાં જ પૂર્ણ થઈ જાય તેવી પણ શકયતા છે. હાલ હવામાન વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટ આગાહી કરી નથી.
11 જૂન આસપાસ વાવાઝોડુ આવશેઃ બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા પરથી પસાર થયા તો ગુજરાતના દરિયાકિનારા આસપાસના વિસ્તારોને અસર કરી શકે છે. ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. હવામાન વિભાગના એક અંદાજ અનુસાર 11 જૂન આસપાસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવે તેવી સંભાવના છે. ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભઃ સામાન્ય રીતે ગુજરાતમાં 20 જૂન આસપાસ ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. પણ આ વખતે વાવાઝોડાનું સંકટ આવ્યું છે. અને કેરળમાં ચોમાસું એક સપ્તાહ લેટ છે. તો ગુજરાતમાં પણ વાવાઝોડા પછીની સ્થિતિ કેવી બને છે તેના પર ચોમાસાના પ્રારંભનો કયાશ કાઢી શકાય.
" આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્ય અને મધ્યમ રહેશે. કેરળમાં ચોમાસું બેસે તે પછી 15 દિવસ પછી ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થાય છે. વાવાઝોડાની સ્થિતિને કારણે આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની ધારણા છે. વાવાઝોડું પોરબંદરથી 930 કિલોમીટર દૂર છે. તેની સ્થિતિ નોર્થ ઈસ્ટ સાઈડ છે. આગામી પાંચ દિવસ ભારે વરસાદની કોઈ આગાહી નથી, પણ હળવો અને સામાન્ય વરસાદ પડી શકે છે." - મનોરમા મોહંતી, હવામાન વિભાગના ડાયરેક્ટર
વાવાઝોડાને કારણે ચોમાસાના ફ્લો પર અસર: જૂનથી સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ હવામાન વિભાગનું માનવું છે. અરબી સમુદ્ર પર સર્જાયેલ વાવાઝોડાને કારણે ચોમાસાના ફ્લો પર અસર પડી શકે છે. પરંતુ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં આ વર્ષે ચોમાસામાં વરસાદ એવરેજ કરતાં થોડો ઓછો રહેશે.