અમદાવાદઃ આજથી શહેરમાં મેગા સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવશે. જેમાં કોટ વિસ્તારમાં રહેતા તમામ લોકોનું હેલ્થ ચેકઅપ હાથ ધરવામાં આવશે.
મધ્યઝોનના 6 વોર્ડમાં 2000થી વધુ કર્મીઓ સર્વેની કામગીરીમાં જોડાશે. કોરોનાના વાઇરસના સંક્રમણને ફેલાતા અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ છે.
શહેરના તમામ કોટ વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ચારેય બાજુ આવેલા ગેટ બંધ કરીને કોરોના ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. આ ચેકપોસ્ટો પર મેડિકલ ટીમો તહેનાત કરી દેવામાં આવી છે. જે કોટ વિસ્તારની અંદર જતા અને કોટ વિસ્તારથી બહાર આવતા લોકોની તપાસ કરી રહી છે.
અમદાવાદ મહાનગરપાલિકાના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જરૂરત પ્રમાણે બેરિકેટિંગ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા દરેક જગ્યાએ મેડિકલ ટીમની નિમણૂંક કરવામાં આવી છે. આજે સવારે 5 વાગ્યાથી શહેરની 13 જેટલી જગ્યાઓ પર કોરોના ચેકપોસ્ટ કાર્યરત થઈ ગઈ છે. 12 વાગ્યા સુધીમાં 10000થી વધુ લોકોનું ચેકિંગ કરવામાં આવશે.