અમદાવાદઃ લોકડાઉનની પરિસ્થિતિમાં ધ્યાન દ્વારા નિરાશાજનક વાતાવરણમાં સ્વયંને સકારાત્મક દિશામાં વાળવા આયુષ મંત્રાલય દ્વારા ધ્યાન કરવાની જન સામાન્યને મહત્વપૂર્ણ સલાહ આપવામાં આવી રહી છે, ત્યારે ધ્યાનયોગ દ્વારા લોકો ધ્યાન સાથે જોડાય તે હેતુથી ઓનલાઈન ધ્યાનયોગ મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
શિવકૃપાનંદ સ્વામીની પ્રેરણાથી લોકડાઉનની પરિસ્થિતિમાં સહુને સકારાત્મક સામૂહિકતા અને વાતાવરણ પ્રાપ્ત થાય. તે હેતુથી એક મહાશિબિરનું પ્રસારણ કરવામાં આવનાર છે. જેમાં વર્ષ 2008 અજમેર ખાતે થયેલ મહાશિબિરમાં શિવકૃપાનંદ સ્વામીએ આપેલા પ્રવચનોનો લાભ આપણે ઘેરબેઠાં મેળવી શકીએ છીએ.
યોગ પ્રભાભારતી સેવા સંસ્થાન મુંબઇ દ્વારા www.samarpanmeditation.org દ્વારા યુ-ટ્યુબ પર પ્રસારિત કરવામાં આવનાર છે. તારીખ 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ચાલનારી આ ઓનલાઇન શિબિરનું દરરોજ સાંજે 4ઃ00 વાગ્યે પ્રસારણ શરૂ કરવામાં આવશે.
વર્તમાન સમયમાં વ્યાપેલી નકારાત્મકતામાંથી સ્વયંને સકારાત્મક દિશામાં વાળવા માટે આ અવસરનો લાભ લેવા જાહેર જનતાને ગુરુ શિવકૃપાનંદ સ્વામી દ્વારા અપીલ કરવામાં આવી છે.