ગુજરાત પણ નશીલા કારોબારનું હબ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે તેની પર રોક લગાવવા પોલીસ સક્રિય થઇ હતી અને શતાબ્દી ટ્રેનમાં મુંબઈથી અમદાવાદ લવાયેલ 61 લાખથી વધુની કિમતના ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં ડ્રગ્સ અમદાવાદના કારંજ વિસ્તારમાં રહેતા ફિરોઝ નામના વ્યક્તિએ મંગાવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસ ફિરોઝની શોધખોળ કરી હતી અને રાજસ્થાનના ઉદેપુર ખાતેથી આરોપી ફિરોઝની ધરપકડ કરી હતી.
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી તેને ડ્રગ્સનો નશો કરવાની આદત હતી અને આદતના કારણે નશીલા પદાર્થના સેવન માટે તેને મોટી રકમ ચૂકવવી પડતી હતી. જેથી જાતે જ નશીલા પદાર્થોની હેરાફેરી કરવાનું ચાલુ કર્યું હતું. ફિરોઝનો અગાઉ ગુનાહિત ઈતિહાસ પણ રહેલો છે. ગેરકાયદેસર હથિયાર રાખવાના, ચેન સ્નેચિંગ અને ચોરીના ગુનામાં પકડાયેલ છે. તથા 4 વખત પાસા પણ થયેલ છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.