અમદાવાદ: ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળ્યા પછી શક્તિસિંહ ગોહિલનું કદ વધુ મજબૂત બની રહ્યું હોય તેમ કોંગ્રેસ પક્ષમાં ભરતી મેળો યથાવત રહ્યો છે. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ ભવન ખાતે ગુરુવારે યોજાયેલા એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી અને ભાજપના અનેક કાર્યકર્તાઓ પોતાનો પક્ષ છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા. કોંગ્રેસ પ્રદેશ સંગઠનના નેતાઓએ આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓને કોંગ્રેસમાં આવકારી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસમાં ભરતી મેળો: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે આમ આદમી પાર્ટી અને ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતાં. સાબરકાંઠા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાંથી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં સામેલ થયાં હતા. કોંગ્રેસનો ખેસ ધારણ કરનારાઓમાં કોડિનારના પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ ઝાલા અને સંતરામપુર ભાજપના પૂર્વ કોર્પોરેટર હર્ષદ મહેતાનો સમાવેશ થાય છે. ગુજરાતના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તાજેતરના સમયમાં જોવા મળ્યું હતું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ કે, કાર્યકર્તાઓ પોતાનો પક્ષ છોડીને સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી-ભાજપમાં જોડાયા હોય.
ભાજપ-આપના કાર્યકર્યો કોંગ્રેસમાં: ગુરુવારે ગુજરાત કોંગ્રેસમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ તથા નેતાઓ જોડાતા ગુજરાતના રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓની કોંગ્રેસમાં એન્ટ્રી થઇ છે, તેમાંથી મોટાભાગના સાબરકાંઠા, પંચમહાલ વગેરે જિલ્લાના હોવાથી સ્થાનિક રાજકારણમાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે. મહત્વપૂર્ણ છે કે, ગુજરાત કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ પ્રદેશ સંગઠનની કમાન સંભાળ્યા પછી અનેક મહત્વના ફેરફાર જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને આદિવાસી અને પછાત જિલ્લાઓના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં સામેલ થતા સ્થાનિક સ્તરે ભાજપની ચિંતા વધે તો નવાઈ નહીં.