અમદાવાદઃ મહાનગરપાલિકાનું નવું સીમાંકન જાહેર થતા અમદાવાદ શહેરની હદમાં લગભગ સો ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. પહેલા અમદાવાદની હદ 466 ચોરસ કિલોમીટર હતી. જે વધીને લગભગ 566 ચોરસ કિલોમીટર થઈ છે. બોપલ ઘુમા નગરપાલિકાના રોડ, ગટર, રસ્તા, સ્ટોર્મવોટર ડ્રેનેજ, પબ્લીક ટ્રાન્સપોર્ટેશન, હોસ્પિટલો દરેકનો લાભ સ્થાનિકોને મળશે.
- મહાનગરપાલિકાનું નવું સીમાંકન જાહેર કરાયું
- અમદાવાદ શહેરની હદમાં લગભગ સો ચોરસ કિલોમીટરનો વધારો થયો
- અડધો ડઝનથી વધુ ગામોએ અમદાવાદની હદમાં ભળવા સામે વિરોધ નોંધાવ્યો
મ્યુનિસિપલનો વિસ્તાર વધતાં તેના માટે વહિવટી માળખાને પણ વિસ્તારવાની ફરજ પડશે. જો કે, આ વિસ્તારની રહેણાંકની અને કોમર્શીયલ મિલકતોના ટેક્સ વધી જશે. ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલએ તૈયાર કરીને મોકલેલા નવા સીમાંકન ઠરાવમાં ઝુંડાલ, કોટેશ્વર, ભાટ, અમીયાપુર, સુઘડ, ખોરજ વગેરે અડધો ડઝનથી વધુ ગામોએ અમદાવાદની હદમાં ભળવા સમે સખત વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદમાં બોપલ- ઘુમા નગરપાલિકા, ચિલોડા- નરોડા અને કઠવાડા ગ્રામપંચાયત, અસલાલી, ગેરતપુર, સનાથલ, રણાસણ, બિલાસિયા ખોડિયાર, વિસલપુર સહિતના કેટલાક વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ વિસ્તારને વિવિધ ઝોનમાં સમાવી દેવામાં આવ્યાં છે. સાથે સાથે વિસ્તારોમાં અધિકારીઓની પણ જવાબદારી સોંપી દેવામાં આવી છે, ત્યારે બોપલ ઘુમા નગરપાલિકાના પ્રમુખ જીગીશા બેન શાહે પણ જણાવ્યું હતું કે, ખૂબ જ આનંદની વાત છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બોપલ ઘુમાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આશા છે કે, અહીંયાના રહેવાસીની જે પણ તકલીફ છે, તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હલ કરે છે.