અમદાવાદ : રાષ્ટ્ર પર જ્યારે જ્યારે કુદરતી આપત્તિઓ આવી છે, ત્યારે ત્યારે માનવસેવાના ઉમદા કાર્યમાં ધાર્મિક સંસ્થાઓ ઊભી રહે છે. કોરોના સંકટના સમયમાં એવી જ રીતે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને શાકભાજીનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર વિશ્વ હાલ કોરોના વાઇરસ મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ભારત દેશ પણ આ બીમારીમાંથી બાકાત રહ્યો નથી, ત્યારે દેશના મોટાભાગે નાના અને વંચિત લોકો માટે આ બીમારી સામે લડવું કપરૂં થયું છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. મહાનગર અમદાવાદની વિવિધ જગ્યા પર આવેલી ઝુંપડપટ્ટીના વિસ્તારના વંચિત લોકોને કોરાના નામની મહામારી વિશે વિસ્તૃત રીતે સમજાવી અને આ બીમારી વધુ ફેલાય નહિ તેના માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની માહિતી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કહેલા ઉપદેશ વચનો સંતો અને સ્વયંસેવકોએ કહેતા જણાવ્યું હતું કે, “વિશ્વના ઈતિહાસમાં કદાચ આટલું મોટું સંકટ ક્યારેય આવ્યું નહીં હોય.
આ સંકટમાંથી સૌને ઉગારવા માટે સરકાર, આરોગ્ય તંત્ર તેમજ અનેક લોકો પોતાના જીવના જોખમે દિવસ-રાત પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ તેમનો બોજ ઘટાડવા માટે, આપણી તથા સમાજની સલામતી માટે, સૌ પોતાના ઘરમાં જ રહે તે અતિ અતિ આવશ્યક છે. આપ સૌ જાણો છો કે કોરોના મહામારીમાંથી બચવા અને બચાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ એ જ એક માત્ર સર્વશ્રેષ્ઠ ઉપાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરના અનુભવોને બરાબર સમજીને ૨૧ દિવસ સુધી લોકડાઉનનો સંદેશ આપ્યો છે. સૌ તેનું ખૂબ ગંભીરતાથી પાલન કરે તેમાં જ આપણું, સમગ્ર પરિવારનું, ઘરમાં રહેલાં બાળકો અને વડીલોનું, સમાજનું અને દેશનું ભલું રહેલું છે. તે માટે કૃપા કરીને સૌ ખૂબ ગંભીરતાથી અનુસરીને લોકડાઉનમાં સહયોગ આપે તેવી આગ્રહપૂર્વક વિનંતી કરી હતી.
કોરોના વાઇરસની મહામારીથી ધંધા રોજગાર બંધ થતા સરકારની સાથે સાથે સેવાભાવી સંસ્થાઓ પણ જરૂરિયાત લોકોની મદદે આવી રહી છે, ત્યારે ‘લૉક ડાઉન’નાં સાતમા દિવસે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અમદાવાદ શહેર-જિલ્લાનાં બાપુનગર, નરોડા, વસ્ત્રાલ જેવા જુદાં-જુદાં વિસ્તારોમાં વસતા જરૂરિયાતમંદ દરિદ્રનારાયણ પરિવારોને શાકભાજી લેવા પણ બહાર ન જવું પડે તેવા ઉમદા હેતુ સાથે ૭ ટન - ૭૦૦૦ કિલોગ્રામ ઉપરાંત નિ:શુલ્ક શાકભાજી સંતો અને હરિભકતોએ ઘરે ઘરે જઈને આપ્યું હતું.
માસ્ક પહેરેલાં અને સેનિટાઇઝ્ડ થયેલા સંતો અને સ્વયંસેવકો દ્વારા સાંપડ, તાજપુર, ધરમપુર, દહેગામ વગેરે હરિભક્તોનાં ખેતરમાંથી લાવવામાં આવેલા તાજાં અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફૂલાવર, કોબીજ, ટામેટાં, બટાટા, લીલાં મરચાં વગેરે શાકભાજીને બાયોડીગ્રેડેબલ બેગ્સમાં પેક કરવામાં આવી હતી. આ સ્વાસ્થ્યપ્રદ શાકભાજીમાં પ્રત્યેક પરિવારને બે દિવસ સુધી ચાલે તેટલા પ્રમાણમાં આપવામાં આવ્યું હતું.