અમદાવાદઃ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા 46 વર્ષીય પ્રશાંતભાઈ પંડ્યા પોતાના પરિવાર સાથે રહે છે. ખોખરા સર્કલ પાસે પ્રશાંતભાઈ રેડીમેઈડ કાપડની દુકાન ચલાવે છે. તેમની દીકરી અને દીકરો મણીનગર ખાતે આવેલી જીવકોરબાઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે. છેલ્લાં એક સપ્તાહથી ફરિયાદીનો દિકરો વેદાંત ડિપ્રેશનમાં રહેતો હતો.તે શાળાએ જતા પણ ગભરાતો હતો. વારંવાર પુછવા છતાં વિદ્યાર્થી પરિવારને કંઈ જણાવતો નહતો. તેથી તેના પિતા તેને શાળાએ લેવા મુકવા જતા. બે દિવસ પહેલા ફરિયાદીના મોટાભાઈ કૌશલ પંડ્યાએ વિદ્યાર્થીની આ સંદર્ભે પુછપરછ કરી હતી. જેમાં સમગ્ર હકીકત સામે આવી હતી.
વિદ્યાર્થીએ ડરતા ડરતા કરી રજૂઆતઃ વિદ્યાર્થીએ જણાવ્યું કે ક્રિષ્ના જયેશભાઈ નામનો યુવક તેને હેરાન કરે છે. ચપ્પુ બતાવે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. તેટલું જ નહીં તે ધમકાવીને બળજબરીપૂર્વક પૈસા પણ પડાવે છે.
પ્રશાંતભાઈ પંડ્યાને મોટા ભાઈએ સમગ્ર બીનાની જાણ કરીઃ ત્યારબાદ બંને ભાઈઓએ આરોપીને ઝડપી લેવાની કવાયત હાથ ધરી. શનિવારે સવારના 11 વાગે આરોપી સ્કૂલે આવવાનો છે તેવી જાણ થતા શનિવારે તેને ઝડપી લેવાની તૈયારીઓ કરાઈ. પ્રશાંતભાઈ, તેમના મોટા ભાઈ અને બીજા બે લોકોએ વિદ્યાર્થીને હૈયાધારણ આપી હિંમત બંધાવી.વિદ્યાર્થીને 1500 રૂપિયા આપવામાં આવ્યા અને આરોપીને આપવા માટે જણાવ્યું હતું. વિદ્યાર્થીના પિતા અને અન્ય ત્રણ જણા મણિનગર જીવકોરબાઈ શાળાએ પહોંચ્યા હતા. વિદ્યાર્થી સ્કૂલ નજીક ફાયર સ્ટેશન પાસે ઉભો હતો.આરોપી ક્રિષ્ના અને તેનો એક મિત્ર એક્ટીવા પર ત્યાં આવ્યા.ક્રિષ્નાએ વિદ્યાર્થી પાસે ઉઘરાણી કરી ખિસ્સામાંથી 1500 રૂપિયા લઈ લીધા હતા.આ સમયે જ ચારેય લોકોએ આરોપી ક્રિષ્ણાને દબોચી લીધો. જોકે તેનો મિત્ર ત્યાથી ફરાર થઈ ગયો હતો. પ્રશાંતભાઈ પંડ્યાએ આરોપીને પકડીને મણિનગર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
આરોપી અગાઉ જુવેનાઈલ હતો ત્યારે મણિનગર પોલીસ સ્ટેશનના મારામારીના કેસમાં પકડાઈ ચુકયો છે. પૈસા પડાવવામાં તેના એક્ટિવાચાલક સાથીને પોલીસ શોધી રહી છે... ડી.પી ઉનડકટ(પીઆઈ, મણિનગર પોલીસ સ્ટેશન)
પોલીસે નોંધ્યો ગુનોઃ આ મામલે પોલીસે આરોપી સામે IPCની કલમ 386, 114 મુજબ ગુનો દાખલ કર્યો હતો. આરોપી યુવક પણ 18 વર્ષનો જ હોવાનુ તપાસમાં સામે આવ્યું છે. આરોપી અગાઉ આ જ સ્કૂલમાં ભણતો હતો. તેથી તેણે વિદ્યાર્થીને ધમકાવીને પૈસા પડાવ્યા. આરોપી ૧૨મા ધોરણમાં ગયા વર્ષે ફેલ થયો છે. આરોપીની છાપ સ્કૂલમાં તોફાની છોકરાની હતી તેથી બધા વિદ્યાર્થી તેનાથી ડરતા હતા.