ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લીધો હતો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટા છવાયા ઝાપટા પડ્યા હતાં. આ સિવાય વરસાદ હવે રજા લેવાની તૈયારીમાં હોય તેમ દિવસ દરમિયાન ગુજરાતના તાપમાનમાં વધારો નોંધાયો હતો. જો કે, એકાએક બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા હવામાન વિભાગે અતિ ભારેથી હળવા વરસાદની આગાહી કરી છે. જેમાં 19થી 20 સપ્ટેમ્બર સુધી આ સિસ્ટમ મુંબઈ અને સાઉથ ગુજરાત તરફ આગળ વધશે. જેથી, ત્યાં આ બે દિવસ દરમિયાન અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં ફરીથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ સાથે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામશે. જેમાં ગુરુવાર અને શુક્રવારે નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ થઇ શકે છે. ઉપરાંત શનિવારે વલસાડ, દમણ, સૂરત, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગરમાં અને રવિવારે વલસાડ, નવસારી, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 121 ટકા વરસાદ પડ્યો છે અને પાંચ તાલુકામાં તો 200 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. અબડાસા, છોટાઉદેપુર, કવાંટ, અંકલેશ્વર, માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં 200થી વધુ ટકા વરસાદ થયો છે અને હજુ વધુ 4 દિવસ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.