અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક જીતીને ભાજપે રેકોર્ડ સર્જ્યો હતો. તેવી જ રીતે લોકસભા 2024ની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકોની જીતીને હેટ્રિક મારીને રેકોર્ડ સર્જવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. શું તૈયારીઓ છે? કેવો પ્લાન ઘડાઈ રહ્યો છે? કયા મુદ્દા રહેશે? ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ.
PMની ગુજરાતના સીએમ સહિત સાંસદો સાથે બેઠક : તાજેતરમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત ગુજરાતના તમામ સાંસદો અને પ્રભારી રત્નાકરે નવી દિલ્હીમાં પીએમ હાઉસમાં બેઠક કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીમાં લાગી જવા હાકલ કરી હતી અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી વધુને વધુ શેર કરવા કહેવાયું છે.
ગુજરાત ટીમને કામ સોંપાયું : સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલને વધુ એક કામ સોંપાયું છે. ગુજરાત વિધાનસભામાં 156 સિવાયની કઈ એવી બેઠકો છે, કે જ્યાં ભાજપ હારી છે. તે બેઠકમાં કયાં કચાશ રહી ગઈ છે? તેની માહિતી અને તે બેઠકને કેવી રીતે મજબૂત કરી શકાય? તેના સુચન માંગવામાં આવ્યા છે.
આ પણ વાંચો 2024ની ચૂંટણી ગુજરાતમાં RSSનો પાવર શો, 10,000 સ્વયંસેવકોને સંબોધશે મોહન ભાગવત
મોહન ભાગવત અને અમિત શાહ વચ્ચે બેઠક : બીજી તરફ સોમવારે અમદાવાદના શિવાનંદ આશ્રમમાં સંઘ સુપ્રીમો મોહન ભાગવત અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે અતિ મહત્વની બેઠક થઈ છે. તેમજ ધર્માચાર્યો સાથેના સંમેલનમાં પણ ઉપસ્થિત રહ્યા હતાં. તે ધર્માચાર્યોની બેઠકમાં બે મુદ્દા ઉડીને આંખે વળગે તેવા છે. કોમન સિવિલ કોડને લાગુ કરવાની માંગ થઈ છે. તેમજ રામ મંદિરનું નિર્માણ ઝડપથી થાય તે દિશામાં કાર્યવાહી કરવા કહેવાયું છે. ધર્માચાર્યોની આ બેઠક પરથી સ્પષ્ટ થાય છે કે લોકસભાની 2024ની ચૂંટણીમાં કોમન સિવિલ કોડ અને રામ મંદિર મુખ્ય મુદ્દા રહેશે.
આરએસએસનું 14 એપ્રિલે શક્તિ પ્રદર્શન : ત્રીજી વાત આગામી 14 એપ્રિલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) સામાજિક સંગઠન કાર્યક્રમ કરી રહી છે. તેમાં મોહન ભાગવત ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ સ્વયંસેવકો ઉપસ્થિત રહેશે. અને સંઘની વિચારધારા અને લોકસભાની ચૂંટણી પહેલા ભારત દેશે કઈ દિશામાં જવું જોઈએ તે અંગે ચર્ચા થશે. ચૂંટણી પહેલા આરએસએસનું શક્તિપ્રદર્શનએ ચૂંટણીપ્રચારનો એક ભાગ જ છે.
વિકાસના નામે નહી હિન્દુત્વના નામે વોટ મળશે : આ મુદ્દે રાજકીય વિશ્લેષક પાલા વરુએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી આવે ત્યારે ભાજપ એડવાન્સમાં તૈયારી શરૂ કરી દે છે અને ખૂબ માઈક્રો લેવલનું પ્લાનિંગ થતું હોય છે. ચૂંટણી વિકાસના નામે લડાય ખરી. તે તેનો મુખ્ય મુદ્દો તો રહેતો જ હોય છે. પણ ભાજપ એક વખત ઈન્ડિયા શાઈનિંગના નામે ચૂંટણી લડી હતી, અને સફળતા નહોતી મળી. જે પછી ભાજપ હિન્દુત્વનું કાર્ડ ચલાવીને અને સાથે વિકાસનો મુદ્દો રાખીને ચૂંટણી લડે છે. હિન્દુત્વના કાર્ડમાં ધર્માચાર્યો સાથેની બેઠક, તેમની માંગ, આરએસએસનું સંમેલન, સંઘ સુપ્રીમો સાથે બેઠક અને તેમાં કેટલાક મુદ્દા ચર્ચાય છે. તે મુદ્દાનું ચર્ચા શરૂ થાય છે, અને ચૂંટણી આવે ત્યારે તે મુદ્દો પીક પર આવી જાય છે. એટલે ભાજપ આ બન્ને એજન્ડાને સાથે રાખીને ચૂંટણી લડે છે અને સફળ થાય છે.
2019 કરતાં 2024માં વધુ બેઠક લાવવાની મહેનત : વરિષ્ઠ પત્રકાર અને રાજકીય તજજ્ઞ હરેશ ઝાલાએ ETV BHARATને કહ્યું હતું કે ભાજપની જે રીતની તૈયારીઓને જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે ભાજપ અને તેની માતૃસંસ્થા આરએસએસ 2024ની લોકસભાની ચૂંટણીમાં 2019 કરતાં પણ વધુ પ્રભાવ પાડી શકે કે પછી વધુ સારુ પરિણામ લાવી શકે તે માટે તનતોડ મહેનત શરૂ કરી દીધી છે. તેમાં હિન્દુઓને જાગૃત કરવા માટે આરએસએસ જરાય પાછી પાની નહી કરે. અને આનો લાભ લોકસભાની ચૂંટણીમાં મળશે તેવું દેખાઈ રહ્યું છે.