અમદાવાદ: દેશના સૌથી પહેલા હેરિટેજ સિટી તરીકે અમદાવાદની ગણના કરવામાં આવે છે. જેમાં અમદાવાદ શહેરની મધ્યમાં આવેલી હેરિટેજ પોળ સૌને માટે આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ દ્વારા અમદાવાદની પોળમાં વોટર કલર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત ગુજરાતમાંથી 150થી પણ વધુ ચિત્રકારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાંથી વોટર કલર પર કામ કરતા અને ખાસ કરીને હેરિટેજ વિષય પર ચિત્ર દોરનાર 76 જેટલા ચિત્રકારોની પસંદગી થઈ હતી. ચિત્રકારોએ અમદાવાદ શહેરની આવેલી પોળમાં લાઈવ ચિત્ર દોર્યા હતા.
પોળો બની સપ્તરંગી: અમદાવાદની પોળોમાં ભારતીય સંસ્કૃતિ ઉપરાંત પારિવારિક જીવન વ્યવસ્થા અને કલાત્મક અને આકર્ષણ કાષ્ટકલા ઉપરાંત ભવ્ય ઐતિહાસિક વારસો સચવાય તેની જાળવણી અંગે જાગૃતિ સભ્ય સમાજમાં આવે તે યુનેસ્કો દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના કલા સર્જકોએ અમદાવાદની પોળોને વોટર કલરના માધ્યમથી સપ્તરંગી રંગોમાં સર્જન કર્યું હતું.
" આ યુનેસ્કો વોલેન્ટિયરનો 10 દિવસનો કાર્યક્રમ છે. જેના અંતર્ગત આજે આ કાર્યક્રમનો 9 દિવસ પૂર્ણ થયા છે. જેમાં આજે લાઈવ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લાઈવ પેઇન્ટિંગની થીમ પોળ રાખવામાં આવી હતી. આપણા હેરિટેજ અને વારસો સમગ્ર વિશ્વ સમક્ષ કેવી રીતે મૂકી શકીએ તે તેનો મુખ્ય ઉદ્દેશ હતો. સ્પર્ધામાં વિજેતા થયેલ ચિત્રકારને યોગ્ય પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો." - માધિશ પરીખ, અલિકાઝર ફાઉન્ડેશન પ્રમુખ
વારસામાં મળી કળા: કહેવાય છે કે એક ચિત્ર સો શબ્દોની ગરજ સારે છે. જે વ્યક્તિ વાંચી શકતું નથી તે વ્યક્તિ ચિત્ર જોઈને જ તે સમગ્ર ઘટનાનું અનુમાન કરી શકે છે. ચિત્ર દોરવા માટે ધીરજ હોવી ખૂબ જ જરૂરી છે. ત્યારે વડોદરામાં રહેતા એક મહિલા 7 વર્ષથી ચિત્ર દોરી રહ્યા છે. આ ચિત્રકળા તેમને તેમના પિતા દ્વારા વારસામાં પ્રાપ્ત થયેલી છે.
" મને ચિત્રકલા મારા પિતાના વારસામાં પ્રાપ્ત થઈ છે. પરંતુ મેં ચિત્ર દોરવાની શરૂઆત છેલ્લા સાત વર્ષથી કરી છું. જે તે સમયે હું અભ્યાસ સાથે રમત-ગમતમાં પણ સારી રીતે નિપુણતા હોવાથી ચિત્રમાં સમય આપી શકે તેમ ન હતી પરંતુ હવે હું મારો સંપૂર્ણ સમય ચિત્રમાં જ આપું છું. જેના કારણે હવે હું સારા ચિત્ર બનાવી શકું છું." - અલ્કાબેન, ચિત્રકાર
કળા શીખવા માટે કોઈ ઉંમર હોતી નથી: અલકાબેને પોતાના પિતાની વારસામાં મળેલ ચિત્રકળાને વધુ સારી રીતે શીખવા માટે દરરોજ એક ચિત્ર દોરવાનો નિયમ લીધો હતો. સાથે જ તે તેમને તેમના ગુરુ પાસેથી વોટર કલર ચિત્ર દોરવાની શરૂઆત કરી હતી. ત્યારે આ જ વોટરકલર ચિત્રમાં પણ નિપુણતા હાસિલ કરીને વર્લ્ડ હેરિટેજ યુનેસ્કો દ્વારા યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં તેને ભાગ લીધો હતો. તેમનું માનવું છે કે કળા શીખવા માટે કોઈ ઉંમર હોતી નથી જેટલી પણ મહેનત કરીએ તેટલી ઓછી છે.
કળા શીખવા માટે કાઢ્યો સમય: ચિત્ર દોરવા માટે સમય અને ધીરજ હોવી ખૂબ જ જરૂરી છે. જેમાં ખાસ કરીને મહિલાઓ માટે સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ હોય છે. કારણ કે તેમની ઉપર પોતાના પરિવારની જવાબદારી હોય છે. પરંતુ અલકાબેને પોતાના લગ્ન જીવનમાંથી પણ સમય કાઢ્યો અને સારા ચિત્ર બનાવી રહ્યા છે. તેમનું માનવું છે કે તેમના પરિવારનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે. જેના કારણે જ તે આવા સારા ચિત્રો બનાવી રહ્યા છે. લગ્ન બાદ પણ તેમના પતિનો પણ સાથ સહકાર પ્રાપ્ત થયો છે. જેના થકી અન્ય શહેરોમાં પણ ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. તેમને જીવનમાં ઘણા બધા ચિત્રો દોર્યા છે. પરંતુ સૌથી યાદગાર ચિત્ર તેમને એક નાની બાળકીનું ચિત્ર દોર્યું હતું તે તેમના જીવનનું સૌથી યાદગાર ચિત્ર તેઓ માની રહ્યા છે.