અમદાવાદ : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળો પર જ છે તે ફરી એકવાર સાબિત થયું છે. અમદાવાદ શહેરની ફરતે બનાવેલો રિંગ રોડ જાણે કે અન્ય રાજ્યોમાંથી દારૂ લાવી બુટલેગરો સુધી પહોંચાડવાનું માધ્યમ બની ગયો છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડીને દારૂનું કટિંગ ઝડપી પાડ્યું છે. ક્રાઈમ બ્રાંચને બાતમીના આધારે દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતનો દારૂ બંધ બોડીની આઈસર ગાડીમાંથી જપ્ત કર્યો હતો.
ક્રાઈમબ્રાંચનો દરોડો : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી મુજબ ક્રાઈમ બ્રાંચે ઓઢવ રિંગ રોડ પર આવેલા શ્રી રામ એસ્ટેટમાં ગોકુલ સ્ટીલ કંપની પાસે દરોડા પાડ્યા હતા. કન્ટેનરમાંથી દારૂનું કટિંગ થાય તે પહેલા જ 16.97 લાખથી વધુની કિંમતની દારૂની 4488 બોટલો કબજે કરી છે. પોલીસને વહેલી સવારે આ દારૂ મહારાષ્ટ્રથી અમદાવાદમાં લાવીને તેનું કટિંગ કરવામાં આવવાનું હોવાની બાતમી મળી હતી. જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાંચે વસ્ત્રાલના ગોવિંદ રાવત તેમજ બાપુનગરના ઇમરાનખાન પઠાણ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
કુખ્યાત આરોપી : આરોપીઓની પૂછપરછ કરતા ફુરકાન મિર્ઝાએ તેના પરિચિત પાસેથી દારૂ મંગાવ્યો હોવાની હકીકત સામે આવી છે. પકડાયેલો ટ્રક કપડવંજ તરફથી આવવાનો હતો. ગોવિંદ રાવત તેમજ ફુરકાન બેગ મિર્ઝા પોતાનું વાહન લઈને ટ્રકને કુહા ગામથી પાયલોટીંગ કરીને ઓઢવ શ્રી રામ એસ્ટેટ સુધી લાવ્યા હતા. આ દારૂનો જથ્થો ફુરકાન બેગ મિર્ઝા, ગોવિંદ રાવત તેમજ ઈમરાન પહેલવાનને લેવાનો હતો. પકડાયેલો ઈમરાનખાન પઠાણ પોતે ઇમરાન પહેલવાનનો માણસ હોવાથી અને તેના કહેવાથી દારૂનો જથ્થો લેવા આવ્યો હતો. તેમજ ટ્રક ડ્રાઈવર પોલીસ આવે તે પહેલા જ ફરાર થયો હતો.
ક્રાઈમ બ્રાન્ચે બાતમીનાં આધારે વહેલી સવારે દરોડા પાડીને બંધ બોડીની ટ્રક ઝડપી બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ દારૂનું કટિંગ કરે તે પહેલા જ દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીઓ અગાઉ કોઈ જગ્યા પરથી દારૂ અમદાવાદમાં આવ્યા છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.-- એ.ડી. પરમાર (PI, ક્રાઈમબ્રાન્ચ અમદાવાદ)
ગુનેગારોના રિમાન્ડ : આ મામલે ઝડપાયેલો આરોપી ગોવિંદ રાવત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે અગાઉ 2014માં ઓઢવમાં ઈંગ્લીશ દારૂના કેસમાં તેમજ અમરાઈવાડીમાં મારામારીનાં બે ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. જેથી ક્રાઈમ બ્રાંચે આ મામલે ઝડપાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે ગાડી સહિત 27 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.